દિવાળી વેકેશન દરમિયાન 43 લાખ લોકો ગુજરાતના પ્રવાસન સ્થળોએ ઉમટ્યા
10 દિવસના દિવાળીના વેકેશનમાં 11 અને 20 નવેમ્બરની વચ્ચે 43 લાખ લોકોએ ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
ગિરનાર રોપવે, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, દ્વારકા મંદિર, સ્મૃતિ વન જેવા સ્થળોએ આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓનો વધુ ધસારો જોવા મળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ સીમા દર્શન, સાસણ ગીર, દેવલિયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, સ્મૃતિ વન, ડાયનોસોર પાર્ક અને રાણ કી વાવ જેવા સ્થળોએ પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં સાયન્સ સિટી, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ અને મેટ્રોની મુલાકાતે પણ હજારો પ્રવાસીઓ આવ્યા હતા.
પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને દર્શાવવા માટે એક સત્તાવાર નિવેદન બહાર પડાવમાં આવ્યું હતું. નિવેદન મુજબ 2023-24ના રાજ્યના બજેટમાં, પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રો માટે ફાળવવામાં આવેલા ભંડોળમાં અગાઉના વર્ષની સરખામણીમાં 346% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. નિવેદનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ભારતના પ્રમુખપદ દરમિયાન ગુજરાતમાં G20 કાર્યક્રમોની યજમાનીથી રાજ્યમાં પ્રવાસીઓની રુચિમાં વધારો થયો છે, વિશ્વભરના પ્રતિનિધિમંડળોએ નોંધપાત્ર આકર્ષણોની મુલાકાત લીધી હતી.