રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી વિસ્તારોની વાસ્તવિક સમસ્યાઓને આપ્યો અવાજ, તંત્રને એક્શન લેવાનો આપ્યો આદેશ…

ગુજરાતના પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં જંગલ સફારી પછી સિંહ સદનમાં સ્થાનિક આદિવાસીઓ સાથે વાતચીત કરી હતી, જ્યાં તેમણે તેમની સમસ્યાઓને સાંભળી હતી. આ મુલાકાતમાં આદિવાસીઓએ અનાજની અછત અને મૂળભૂત સુવિધાઓની ઉણપ વિશે ખુલ્લીને વાત કરી, જે રાષ્ટ્રપતિના પ્રવાસને વધુ ગહન અને અસરકારક બનાવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ દરમિયાન સાસણ ગીરના સિંહ સદનમાં આયોજિત વાતચીત કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસીઓએ તેમની મુશ્કેલીઓ વ્યક્ત કરી. તેઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પૂરતું અનાજ નથી મળતું. જેનાથી તેમનો ગુજરાન મુશ્કેલ બની જાય છે. આ ફરિયાદો સાંભળીને રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી નીચે આવ્યા અને વ્યક્તિગત રીતે લોકોની વાતો ધ્યાનથી સાંભળી હતી.
કાર્યક્રમ દરમિયાન એક આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિ સમક્ષ પોતાની વાત રાખતા કહ્યું કે, તેને માસિક માત્ર 2 કિલો અનાજ જ મળે છે, જે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતું નથી. તેણીએ વધુમાં જણાવ્યું કે સમુદાયમાં નોકરીની તકો ખૂબ ઓછી છે અને જ્યારે તેઓ આ સમસ્યાઓ વિશે અવાજ ઉઠાવે છે, ત્યારે તેમનુ દમન કરવામાં આવે છે. આ રજૂઆતથી સ્પષ્ટ થાય છે કે આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની અછત કેટલી ગંભીર છે, અને તેના ઉકેલ માટે વધુ અસકારક પગલા લેવા ખુબ જરૂરી છે.
આદિવાસી મહિલાની આ ગંભીર વાતો સાંભળીને ત્યાં રહેલા સરકારી અધિકારીઓ પણ આઘાતિત થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ તુરંત વનમંત્રી અને કલેક્ટરને આ મુદ્દાઓ પર ઝડપથી પગલા લેવા માટે સૂચના આપી, અને આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવાનું પણ કહ્યું. કાર્યક્રમ પછી વનમંત્રીએ પણ આ ફરિયાદો સ્વીકારી અને વચન આપ્યું કે ઝડપી તપાસ કરવામાં આવશે, અને આ સમસ્યાનો ઉકેલ પણ શોધવામાં આવશે.
આ ઘટના આદિવાસી સમુદાયના અધિકારો અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલુ છે, જેને સ્થાનિક વહીવટી વ્યવસ્થામાં દોડધામ મચાવી દીધી છે. રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન સિદ્ધી સમુદાય સાથેની વાતચીતમાં તેમણે આદિવાસીઓને શિક્ષણ અને સરકારી યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કર્યા, જે ગુજરાતના 15 ટકા આદિવાસી વસ્તી માટે આશાનું કિરણ છે.
આ પણ વાંચો…સોમનાથ બાદ હવે દ્વારકાધીશના શરણે રાષ્ટ્રપતિ: સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના,