આપણું ગુજરાત

Donkey Farm: પાટણનો યુવાન ગધેડીનું દૂધ વેચીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે, જાણો રસપ્રદ સ્ટોરી

પાટણ: કો-ઓપરેટીવ ડેરી સેક્ટરમાં વિકાસને કારણે ગુજરાતને દેશના મિલ્ક કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. ડેરી સેક્ટરના વિકાસને કારણે ગુજરાતના પશુ પલકોને ઘણો આર્થિક રીતે ફાયદો થયો છે. સામાન્ય રીતે પશુપાલકો ગાય અને ભેંસનું દૂધ ડેરીમાં વેચતા હોય છે. એવામા પાટણનો એક યુવક ગધેડીનું દૂધ વેચીને લાખોની કમાણી કરી રહ્યો છે.

ધીરેન સોલંકી નામના યુવકે પાટણ જીલ્લામાં તેના ગામમાં 42 ગધેડા સાથે ફાર્મ ચલાવે છે. ધીરેન દક્ષિણ ભારતના રાજ્યોમાં ગ્રાહકોને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને રૂ. 2-3 લાખની કમાણી કરી રહ્યો છે.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા ધીરેન સોલંકીએ જણાવ્યું કે, મને કેટલીક ખાનગી કંપનીઓ નોકરી મળી હતી પરંતુ તેમાંથી મને જે પગાર મળતો હતો તેનાથી મારા ઘરની જરૂરિયાતો પૂરી થઇ શકે એમ ન હતી. ત્યારે મને ખબર પડી કે દક્ષિણ ભારતમાં ગધેડાની સંખ્યા ઘટી રહી છે. આ પછી હું કેટલાક લોકોને મળ્યો અને મેં 8 મહિના પહેલા મારા ગામમાં 20 ગધેડા સાથે ફાર્મની શરૂઆત કરી હતી અને તેના માટે 22 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આપણ વાંચો: પાટણમાં આજે રૂપાલા વિરોધમાં ‘ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન’, પાટણ, બનાસકાંઠા, મહેસાણાના રાજપુતો મોટી સંખ્યામાં એકઠા થશે

તેણે જણાવ્યું કે, શરૂઆતમાં સ્થિતિ મુશ્કેલ હતી. ગુજરાતમાં ગધેડીના દૂધની માંગ નથી અને શરૂઆતના થોડા મહિનામાં કોઈ કમાણી ન થઇ. આ પછી તેણે દક્ષિણ ભારતની કંપનીઓ સાથે વાત કરી જેમને ગધેડીના દૂધની જરૂર હતી. તે હવે ગધેડીનું દૂધ કર્ણાટક અને કેરળમાં સપ્લાય કરે છે. ઘણી કોસ્મેટિક કંપનીઓ પણ ગધેડીનું દૂધ મંગાવે છે, આ કંપનીઓ વિવિધ ઉત્પાદનો બનાવવા માટે ગધેડીના દૂધનો ઉપયોગ કરે છે.

ગાયનું દૂધ લગભગ 65 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે, ત્યારે ગધેડીના દૂધનો ભાવ 5 હજારથી 7 હજાર પ્રતિ લીટર છે. જ્યારે દૂધને ફ્રીઝરમાં રાખવામાં આવે છે જેથી તે તાજું રહે, દૂધને સૂકવીને પાવડર સ્વરૂપે પણ વેચવામાં આવે છે, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 1 લાખ જેટલી થાય છે.

ધીરેન સોલંકીના ફાર્મમાં હાલ 42 ગધેડા છે. ધીરેને અત્યાર સુધીમાં લગભગ 38 લાખ રૂપિયાનું રોકાણ કર્યંૂ છે. તેણે હજુ સુધી રાજ્ય સરકાર પાસેથી કોઈ મદદ લીધી નથી. તેને આશા વ્યક્ત કરી હતી કે સરકાર આ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

યુ.એસ. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ મુજબ, ગધેડીના દૂધની રચના માંના દૂધ સમાન છે અને ગધેડીનું દૂધ બાળકો માટે સારો વિકલ્પ છે, ખાસ કરીને એમના માટે જેઓને ગાયના દૂધથી એલર્જી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button