વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર! GRIT દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે અરજી મંગાવાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારના મુખ્ય નીતિગત વિચારમંચ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રીટ) દ્વારા રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સંશોધન પ્રોજેક્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ટકાઉ અને સર્વસમાવેશક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ‘વિકસિત ગુજરાત@2047’ના લક્ષ્યો સાથે સુસંગત અને નિર્ણાયક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સંશોધન પ્રોજેક્ટ્સ માટે બિન-શૈક્ષણિક વ્યક્તિઓ તેમજ બિન-શૈક્ષણિક સંસ્થાઓ આગામી 15 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. તમામ પાત્રતા ધરાવતા અરજદારોને નિયત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન પ્રસ્તાવો રજૂ કરવા માટે ગ્રીટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઇપણ ઈચ્છુક વ્યક્તિ કે સંસ્થાએ અરજી ફરજિયાતપણે ગ્રીટની અધિકૃત વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન રજૂ કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા ગ્રીટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો ‘વિકસિત ગુજરાત’ને સાર્થક કરવાનો મંત્ર: જાણો ‘ચિંતન શિબિર’ના સમાપનમાં શું કહ્યું
પ્રાપ્ત થયેલી તમામ દરખાસ્તોનું મૂલ્યાંકન પ્રાસંગિકતા, પદ્ધતિસરની સચોટતા, નીતિગત અસરની સંભાવના જેવા મુખ્ય માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં સંશોધન પ્રસ્તાવની રાજ્ય સરકારની નીતિગત અગ્રતાઓ અને વિકાસ લક્ષ્યો સાથેની સુસંગતતા, સંશોધનની પદ્ધતિ, ડિઝાઇન અને વિશ્લેષણની ગુણવત્તા અને વૈજ્ઞાનિકતા તથા સંશોધનના તારણોના રાજ્ય સ્તરે નીતિ નિર્ધારણ અને અમલીકરણ પરની સંભવિત સકારાત્મક અસર જેવા માપદંડોને ધ્યાને લેવામાં આવશે.
વર્ષ 2025-26 માટે સંશોધન દરખાસ્તો સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિ મૂલ્ય-શૃંખલામાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા તેમજ ગુજરાતમાં સેવા ક્ષેત્રના વિકાસ સહિતના મુખ્ય ચાર ક્ષેત્રો હેઠળ આમંત્રિત કરવામાં આવી છે.
- સસ્ટેનેબિલિટી: નેટ ઝીરો તરફનું પ્રયાણ: ભારતની વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને, રાજ્યના ઓછા કાર્બન ઉત્સર્જનયુક્ત, આબોહવા-સ્થિતિસ્થાપક અર્થતંત્ર તરફના સંક્રમણને ટેકો આપતા સંશોધન.
- આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ: આદિવાસી પ્રદેશોમાં આજીવિકાને મજબૂત કરવા, માનવ વિકાસ સૂચકાંકોમાં સુધારણા લાવવા અને ટકાઉ સામાજિક-આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટેના વ્યૂહાત્મક અભ્યાસો.
- કૃષિ મૂલ્ય-શૃંખલામાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા: ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા અને કૃષિ-મૂલ્ય શૃંખલાને સુદૃઢ કરવાના હેતુસર, પ્રણાલીગત ખામીઓને નિવારતી અને ઉદ્યોગસાહસિક મોડેલોનું નિર્માણ કરતી નવીન દરખાસ્તો.
- ગુજરાતમાં સેવા ક્ષેત્રનો વિકાસ: રાજ્યના મુખ્ય સેવા ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહિત કરવા અને વિકાસની નવી તકોને ઉજાગર કરવા માટે વ્યૂહાત્મક વિકાસના ક્ષેત્રો પર કેન્દ્રિત સંશોધન સહિતનો સમાવેશ થાય છે.



