ડાયરા કલાકાર દેવાયત ખવડને આખરે કોર્ટે એક લાખના બોન્ડ પર આપ્યા શરતી જામીન

ગીર સોમનાથઃ ડાયરા કલાકાર દેવાયત ખવડના વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે મુજબ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે અન્ય 6 આરોપીઓના 25 હજારના બોન્ડ રપર જામીન આપવામાં આવ્યા હતા. તેમજ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.
બુધવારે તાલાલા કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન ના મંજૂર કર્યા હતા. જે બાદ તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંતે ગુરુવારે ડિસ્ટ્રીક સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતાં તમામ આરોપીઓ જેલ મુકત થયા હતા.
આ પણ વાંચો: ડાયરા કિંગ દેવાયત ખવડના રિમાન્ડ થયા પૂરાઃ કોર્ટે જામીન અરજી ફગાવી
તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી હતી અને દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા.સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને લઈને વેરાવળ સેશન્સ કોર્ટે ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
શું હતો મામલો
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો.
બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 લોકોએ પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હતો હતો.
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયો હતો.