જામીન મળી ગયા હોવા છતાં પ્રશાસનની બેદરકારીને કારણે દોષિત 3 વર્ષ જેલમાં રહ્યો
જામીન મળી ગયા હોવા છતાં જેલ પ્રસાશનની બેદરકારીને કારણે એક કેદીને 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હાઈકોર્ટે સાબરમતી જેલમાં કેદ દોષિતને 2020 માં જામીન આપ્યા હતા પરંતુ લગભગ ત્રણ વર્ષ સુધી તેને મુક્ત કરવામાં આવ્યો ન હતો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને 27 વર્ષીય કેદીને વળતર રૂપે રૂ.1 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ એએસ સુપેહિયા અને એમઆર મેંગડેની બેન્ચે 35 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, “જામીનનો આદેશ 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ કેદીને 21 સપ્ટેમ્બર, 2023 ના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં જેલ પ્રસાશનની બેદરકારીને કારણે ત્રણ વર્ષથી જેલમાં રહેલા અરજદારની સ્થિતિને ધ્યાનમાં લેતા, અરજદારને વળતર આપવાનો આદેશ કરીએ છીએ.”
મળતી માહિતી મુજબ, હત્યાના કેસ દોષિત ચંદનજી ઠાકોર અમદાવાદની સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, સપ્ટેમ્બર 2020 તેને જામીન મળી ગયા હતા. જેલ પ્રસાશને કોર્ટને કહ્યું કે કોવિડ-19 પાનડેમિકને કારણે જરૂરી પગલાં લઈ શકાયા ન હત. ઈ-મેલ ધ્યાનમાં લઇ શકાયો ન હતો. આથી કોર્ટે આપેલા આદેશનો અમલ થયો ન હતો.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, “હાલનો કેસ આંખ ખોલનારો છે. જો અરજદારને મુક્ત કરવામાં આવ્યો હોત અને તો તે તેની સ્વતંત્રતાનો આનંદ માણી શક્યો હોત, પરંતુ તેને જેલમાં રહેવાની ફરજ પડી હતી કેમ કે જેલ સત્તાવાળાઓ દ્વારા આ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ વિશે રજિસ્ટ્રી અથવા સેશન્સ કોર્ટનો સંપર્ક કરવા માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.”
બેન્ચે જેલ પ્રશાસનને બેદરકારી બદલ દોષી ઠેરવી અને રાજ્ય સરકારને 14 દિવસની અંદર ₹1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. કોર્ટે તમામ એવા તમામ કેદીઓનો ડેટા એકત્રિત કરવાનો પણ નિર્દેશ આપ્યો જેમને જામીન આપવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી.