ગાઢ જંગલોથી લઈને નાના ટાપુઓ સુધી, election commission આ રીતે કરી રહ્યુ છે તૈયારી
અમદાવાદઃ મતદાર પોતાનો બંધારણીય હક અદા કરી શકે તે માટે ચૂંટણી પંચ સતત કાર્યરત હોય છે. મતદાન માટે બૂથ ઊભું કરવું સહેલુ નથી હોતું, ઘણી અડચણો આવતી હોય છે, તેને પાર પાડી બૂથ ઊભા કરવામાં આવે છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચે ગુજરાતના ગાઢ જંગલોથી લઈને નાના ટાપુઓ સુધીના 11 દૂરના સ્થળોએ મતદાન મથકો ઉભા કર્યા છે, જેથી દરેક મતદાર પોતાનો મત આપી શકે. સંરક્ષિત ગીર વન્યજીવ અભયારણ્યની અંદર માત્ર એક મતદાર માટે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
ભારતના ચૂંટણી પંચના અધિકારીઓએ ગુજરાતમાં ગાઢ જંગલો અને નાના ટાપુઓ સહિત 11 દૂરસ્થ અને દુર્ગમ સ્થળોએ ખાસ મતદાન મથકો ઊભા કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોઈપણ લાયક વ્યક્તિ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાતની તમામ 26 લોકસભા સીટો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે ખાસ મતદાન મથકો સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ તૈયાર કર્યું હતું.
સંરક્ષિત ગીર વન્યજીવ અભયારણ્યની અંદર સ્થિત બનેજ એ આવો જ એક વિસ્તાર છે, જ્યાં મહંત હરિદાસજી એકલા મતદાર છે, જેઓ ભગવાન શિવ મંદિરના પૂજારી છે. તેઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે અહીં ખાસ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. બાનેજથી નજીકનો વસ્તી ધરાવતો વિસ્તાર કેટલાક કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે જ્યારે બાનેજ જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ આવે છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ ખાનગી કંપની માટે ચૂંટણી પંચનો આ આદેશ જાણી લો
તેવી જ રીતે, સોમનાથ જિલ્લાના સપ નેસ બિલિયા ખાતે પણ ખાસ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. તે ગીરના જંગલની અંદરનો એક નાનો વિસ્તાર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2007થી અહીં 23 પુરૂષ અને 19 મહિલા મતદારો રહે છે. તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમના માટે ટેન્ટમાં ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા નાના ટાપુ શિયાલબેટમાં 5,048 મતદારો માટે પાંચ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, તેમ તેમાં જણાવાયું છે. અહીંના મોટાભાગના રહેવાસીઓ માછીમારો છે. આ ટાપુનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે અને અહીં 832 મકાનો છે. બોટની મદદથી ટાપુ પર પહોંચેલી ચૂંટણી પંચની એક ટીમે જણાવ્યું કે આ ટાપુ મુખ્ય ભૂમિ સાથે કોઈ પુલ કે રસ્તાથી જોડાયેલ નથી અને અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો બોટ દ્વારા છે.
ભરૂચ જિલ્લા હેઠળના અલીબેટ ટાપુમાં 254 મતદારો માટે એક ખાસ મતદાન કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું છે. પોરબંદરના બરડા પર્વત જંગલની અંદર સતાવીરડા નેસ, ભુખબારા નેસ અને ખારવીરા નેસમાં ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા નજીક અરબી સમુદ્રમાં આઝાદ ટાપુ અને જૂનાગઢ જિલ્લામાં જંગલની અંદર સ્થિત કનકાઈ ખાતે પણ ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.