અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂત પરિવારની મદદે આવી ડીસા APMC, ચેક વિતરણ કર્યું…

ડીસા: ઉત્તર ગુજરાતના ડીસામાં માર્કેટ યાર્ડ (Deesa Market Yard)માં એક મહત્વની બેઠક મળી હતી. ડીસા APMC (Agricultural produce market committee) ખાતે આજે બે મહિનાં બાદ યોજાયેલી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે.
ડીસા તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતો અને તેમના પરિવારજનોને એક-એક લાખના ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. માનવતાભર્યું પગલું ભરાયું હોવાથી ખેડૂતોએ ખાસ ખુશી પણ વ્યક્ત કરી હતી.
એક-એક લાખના ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ડીસા એપીએમસીમાં દર બે મહિને બોર્ડની મીટીંગ યોજવામાં આવે છે. આજની બેઠક દરમિયાન બોર્ડમાં ખાસ કરીને વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વીમા કંપનીએ દાવાની પ્રક્રિયામાં વિલંબ કરી રહી હોવાથી ડીસા APMCએ પોતાની રીતે મૃતક પરિવારજનોને સહાય આપવાનો નિર્ણય લીધો હતો. આ વિસ્તારમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડીસા APMC દ્વારા કુલ 17 ચેક આપવામાં આવ્યાં
મળતી જાણકારી પ્રમાણે ડીસા APMC દ્વારા કુલ 17 ચેક મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને આપવામાં આવ્યાં હતા. આ બેઠક અને સહાયના ચેક વિતરણ દરમિયાન APMC ચેરમેન ગોવાભાઈ દેસાઈ તથા બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ખાસ હાજરી આપી હતી. APMC ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું કે, પેન્ડિંગ કેસમાં મંજૂરી મળ્યા બાદ અન્ય પરિવારોને પણ સહાયના ચેક આપવામાં આવશે. ડીસા APMC દ્વારા આવી મદદ અને સહાય હંમેશા કરવામાં આવી હોવાનું પણ ચેરમેને જણાવ્યું હતું.