
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં દોડાવાતી મુંબઈથી ગાંધીનર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને હવે વલસાડ સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓને વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901/20902)ને પ્રાયોગિક ધોરણે વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ છે :
27 જુલાઈથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902)ને વલસાડ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સાંજના 5.51 કલાકે વલસાડ સ્ટેશન પહોંચશે અને 5.53 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલથી બપોરના 2.05 કલાકને બદલે 02:00 કલાકે પ્રસ્થાન કરશે. આ કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને સૂરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
એ જ રીતે, 28 જુલાઈથી રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901)ને વલસાડ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ આપ્યું છે. આ ટ્રેન 08:19 કલાકે વલસાડ સ્ટેશન પર પહોંચશે અને 08:21 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.