દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 5 દાઝ્યા

સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કચીગામમાં આજે એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આગની લપેટો એટલી ઉંચી હતી કે કિલોમીટરો દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં સ્થાનિક તંત્ર અને રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચીગામ સ્થિત આ ગોડાઉનમાં ભંગારની સાથે મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ લાગ્યાના થોડા જ સમયમાં કેમિકલ અથવા જ્વલનશીલ પદાર્થોને કારણે જોરદાર ધડાકા થવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલા શક્તિશાળી હતા કે આસપાસની બિલ્ડિંગો પણ ધ્રૂજી ઉઠી હતી. આગમાં દાઝી ગયેલા પાંચેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે દમણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા દમણ ફાયર વિભાગની સાથે પાડોશી રાજ્ય ગુજરાતના વાપી અને વલસાડથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. અનેક ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક અને કેમિકલ યુક્ત કચરાને કારણે આગ પર કાબૂ મેડવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આશરે ૩ કલાકની ભારે જહેમત બાદ ફાયરના જવાનો આગને વધુ પ્રસરતી અટકાવવામાં સફળ રહ્યા હતા.
આ ભીષણ આગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગોડાઉનની લાયસન્સ પ્રક્રિયા અને સુરક્ષાના સાધનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં કાળો ધુમાડો છવાઈ જવાથી લોકોમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. વહીવટી તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
આપણ વાંચો: ગુજરાતના ધારાસભ્ય હાર્દિક પટેલની મતદારકાર્ડ ગામડામાં જ રાખવા પાટીદાર સમાજને અપીલ



