વલસાડમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણઃ રેસ્ક્યૂઅરે કરંટ લાગેલા સાપને CPR આપી બચાવ્યો, જુઓ વાયરલ વીડિયો

વલસાડ: વલસાડના નાનાપોંઢા ગામમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક વીજળીના કરંટથી બેભાન થઈને નીચે પડી ગયેલા સાપને વાઇલ્ડ રેસ્ક્યૂ ટ્રસ્ટના એક બહાદુર સભ્યએ સમયસર સી. પી. આર. (CPR) આપીને ન માત્ર બચાવ્યો, પરંતુ તેને નવજીવન આપ્યું હતું. સામાન્ય રીતે લોકો સાપને જોઈને ડરી જતા હોય છે, પરંતુ આ રેસ્ક્યૂઅરે સત્વરે મદદ કરીને જીવ બચાવવાનું કામ કર્યું હતું, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ ઘટના નાનાપોંઢાના આમધા ગામની છે. એક બિન-ઝેરી ધામણ (Rat Snake) સાપ અજાણતા જ એક વીજળીના તારને અડી ગયો હતો. જોરદાર વીજળીનો કરંટ લાગવાથી તે સાપ લગભગ 15 ફૂટ નીચે જમીન પર પટકાયો અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમને બોલાવવામાં આવી. સંસ્થાના અનુભવી રેસ્ક્યૂઅર મુકેશ વાયડ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમણે જોયું કે ધામણ સાપની હાલત ગંભીર છે અને તેના શ્વાસ લગભગ અટકી ગયા છે. સમયની ગંભીરતાને પારખીને મુકેશ વાયડે સહેજ પણ મોડું કર્યા વિના સાપને જીવતદાન આપવાનો નિર્ણય લીધો.
મુકેશ વાયડે અસામાન્ય હિંમત દર્શાવતા મનુષ્યની જેમ જ સાપને માઉથ-ટુ-માઉથ હવા ભરીને સીપીઆર આપવાનું શરૂ કર્યું. લગભગ 25 મિનિટ સુધી સતત અને અથાક પ્રયત્ન કર્યા પછી, રેસ્ક્યૂઅરે સાપના શરીરમાં ઓક્સિજન પહોંચાડ્યો હતો. આ પ્રયત્નોના પરિણામે, ધીમે ધીમે સાપમાં હિલચાલ કરી હતી અને ફરી શ્વાસ પાછા ચાલવા લાગ્યા. રેસ્ક્યૂઅરના આ સાહસ અને સમયસૂચકતાને કારણે એક વન્યજીવનો જીવ બચી ગયો.
સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા બાદ આ બિન-ઝેરી ધામણ સાપને રેસ્ક્યૂઅર મુકેશ વાયડ દ્વારા નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો. વીજળીના આંચકાથી મૃત્યુની નજીક પહોંચી ગયેલા સાપને બચાવવાનો આ કિસ્સો જીવદયા અને નિઃસ્વાર્થ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સામે આવ્યો છે, જેણે વલસાડ જિલ્લામાં ખૂબ પ્રશંસા મેળવી છે.



