ચોરીના આરોપમાં પુત્રની ધરપકડ થતાં પરિવારની ત્રણ મહિલાઓનો આપઘાતનો પ્રયાસ

સુરત: સુરતમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરનાર પરિવારનો એક વ્યક્તિ ચોરીના આરોપમાં પોલીસ લોકઅપમાં છે, હાલ જેની પૂછપરછ ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મામલાની તપાસ શરૂ કરી છે. હાલ મળતી વિગતો અનુસાર ત્રણે મહિલાઓની હાલત સુધાર પર છે, આ ઘટના શહેરના મહિધરપુર વિસ્તારમાં બની હતી.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા દિલીપ કરશન વાઢેરની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જેના વિરોધમાં પરિવારે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કહેવાય રહ્યું છે કે દિલીપના ભાભીએ પોલીસ સ્ટેશનની બહાર જ ઝેરી દવા પી લીધી હતી જ્યારે તેમના માતા અને પત્નીએ ઘરે જ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 8 ઓગષ્ટના રોજ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે દિલીપની ધરપકડ કરી હતી સાથે જ તેની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત થયો છે.
આ પણ વાંચો: સિગારેટનું વ્યસન ન છૂટતા ચોટીલામાં ડોક્ટરનો આપઘાત, સ્યૂસાઇડ નોટ લખી
આ અંગે વિગતો આપતા ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે દિલીપ કરશન વાઢેર ચોરીના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. દરમિયાન આરોપીની માતા, ભાભી અને પત્નીએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપીનો ભાઈ પોલીસ સ્ટેશન નજીક બેઠો હતો ત્યારે તેણે જણાવ્યું કે તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ ઝેર પી લીધું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે જ્યારે દિલીપ વાઢેરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પિતાએ ધમકી આપી હતી કે જો તેના પુત્રનું નામ ચોરીના આરોપમાં આવશે તો તે પરિવાર સાથે આત્મહત્યા કરી લેશે. જે પોલીસે પોતાની ડાયરીમાં લખી હતી. એવું પણ કહેવાય છે કે પરિવારે સામાજિક દબાણને કારણે આવું કર્યું હશે. પોલીસ આ મામલે કડકાઈથી તપાસ કરી રહી છે. હાલમાં પોલીસ ઇચ્છે છે કે હોસ્પિટલમાં દાખલ તમામ લોકોને સારી સારવાર મળે. આ પછી આગળનું પગલું ભરવામાં આવશે.