
સુરત: ડાયમંડ નગરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી દરરોજ નોંધપાત્ર પ્રમાણમાં મુસાફરોની અવરજવર થાય છે. આ ઉપરાંત માલસામાનની હેરફેર માટે પણ આ સ્ટેશનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્લેટફોર્મ નં.6 પર રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફનો એક જવાન બાઈક ચલાવતો નજરે પડ્યો હતો.
આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઈક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલો ઊભા કર્યો હતો. આ ઘટનાને લઈ કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા કારણે પ્લેટફોર્મ પર બાઈક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. ઉધના રેલવે સ્ટેશન પરથી ગુજરાતને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યો સાથે જોડતી એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો સંચાલિત થાય છે તેમ જ સુરત અને નજીકના શહેરો વચ્ચે દૈનિક મુસાફરો માટે લોકલ ટ્રેનોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ઉધના જંકશનની આસપાસનો વિસ્તાર તેના ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. આ સ્ટેશન શહેરના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે અને વિવિધ સ્થળોએ જતા પ્રવાસીઓ માટે પરિવહન કેન્દ્ર તરીકે સેવા આપે છે. રેલવે કનેક્ટિવિટીની દૃષ્ટિએ મધ્ય અને પશ્ચિમ રેલવેની લાંબા અંતરની સુપરફાસ્ટ એક્સપ્રેસને જોડવાનું કામ કરે છે, જ્યારે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશની ટ્રેનના પ્રવાસીઓના વિશેષ ધસારો રહે છે.