બિટકોઈન ખંડણી કેસમાં ઐતિહાસિક ચુકાદો: પૂર્વ MLA નલિન કોટડિયા, SP અને PI સહિત 14 ગુનેગારોને સજા

સુરત: જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટ 2018માં અપહરણ થયું હતુ. જેના બદલામાં 9 કરોડના બિટકોઈનની ખંડણી વસૂલવામાં આવી હતી. સુરતના આ ચર્ચાસ્પદ બિટકોઈન ખંડણી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલને દોષી ઠેરવ્યા છે. આ ઘટનાએ ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રની મિલીભગતનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચુકાદો રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે આખો મામલો?
આખી વાત એમ છે કે, 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અમરેલીના પીઆઈ અનંત પટેલની ટીમે અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તેમને ગાંધીનગર નજીક લઈ જઈ, 176 બિટકોઈન (અંદાજે 9 કરોડ રૂપિયા) ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગુનામાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલની સંડોવણી સામે આવી હતી. જે બાદ CID ક્રાઈમે આ કેસમાં 14 લોકોની ધરપકડ કરી હતી, જેમાં અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ અને સુરતના વકીલ કેતન પટેલનો સમાવેશ થાય છે.
નલિન કોટડિયાની ભૂમિકા
નલિન કોટડિયાને આ કેસમાં ‘ફિક્સર’ તરીકે ઓળખવામાં આવ્યા, જેણે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી ફરાર હતા. CID ક્રાઈમે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું જાહેર કર્યું છે, અને આખરે તેને મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી ઝડપી લેવાયામાં આવ્યો હતો. કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા, અને મે 2019માં ગુજરાત હાઈકોર્ટે તેને શરતી જામીન આપ્યા. આ કેસમાં તેમની સંડોવણીએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી હતી.
આ ગુનામાં અનંત પટેલે સરકારી વાહનોનો ઉપયોગ કરીને શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યું હતું. CID ક્રાઈમની તપાસમાં કેતન પટેલની પૂછપરછ દરમિયાન નલિન કોટડિયા અને જગદીશ પટેલના નામ સામે આવ્યા હતા. જગદીશ પટેલની અટકાયત બાદ તપાસને વેગ મળ્યો, અને કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસ અને રાજકારણીઓની મિલીભગતના આરોપોને મજબૂતી આપી, જેના કારણે વહીવટી વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા.
અમદાવાદ સેશન્સ કોર્ટના આ ચુકાદાએ ગુજરાતના રાજકીય અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. આ કેસે ડિજિટલ ચલણના દુરુપયોગ અને સત્તાના દુરુપયોગના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. નલિન કોટડિયા, જગદીશ પટેલ અને અનંત પટેલને દોષી ઠેરવવાથી ન્યાયની આશા જાગી છે, પરંતુ આ ઘટનાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આપણ વાંચો: ભુજની વિદ્યાર્થિનીની ગળું ચીરી સરાજાહેર હત્યાઃ આરોપી પકડાયો, પણ ગુનાઓ રોકાશે?