ફરી લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પ્રેમિકાને પ્રેમીએ પાંચમા માળેથી ફેંકી ને પછી ધસડી ગયો

સુરત: લગ્નેત્તર સંબંધોમાં હત્યાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. સુરતથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. એક પ્રેમીએ તેની પરણીત પ્રેમિકાને 5 માળની બિલ્ડિંગ પરથી ધક્કો મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. પ્રેમીએ આ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો. આવો જાણીએ.
ધીરુ અને રસીલા વચ્ચે થયો ઝઘડો
સુરતના કામરેજ ગામ ખાતે રસિલા ચૂડાસમાના લગ્ન પ્રવીણ ચુડાસમા સાથે કરવામાં આવ્યા હતા. રસીલાને તૃપ્તી નામની એક દીકરી પણ હતી. જોકે રસીલાનું લાંબા સમયથી ધીરૂ ચૂડાસમા નામના વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. પરંતુ સમય જતાં તેના પતિને પત્નીના સંબંધ વિશે જાણ થઈ હતી. તેથી તે રસીલાને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ધીરૂ અને રસીલા ક્યારેક-ક્યારેક મળતા હતા.
20 જૂન 2025ના રોજ ધીરૂ અને રસીલા કામરેજ ગામના શ્યામ સુંદર અપાર્ટમેન્ટના પાંચમાં માળે મળવા ભેગા થયા હતા. મુલાકાત દરમિયાન કોઈ વાતને લઈને બંને વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડા દરમિયાન ધીરૂ રસીલા પર એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે રસીલાને પાંચમાં માળેથી નીચે ધક્કો મારી દીધો. ત્યારબાદ ધીરૂ ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો, તેણે જોયું કે રસીલા હજુ જીવે છે. ધીરૂ તેને 50 મીટર સુધી ધસડીને પાસેના ખેતરમાં લઈ ગયો. જ્યાં રસીલાનું મૃત્યુ થયું હતું.
દીકરીએ કરી માના મૃતદેહની ઓળખ
21 જૂન 2025ના રોજ કામરેજ પોલીસને સ્થાનિકોએ ખેતરમાં એક મહિલાનો મૃતદેહ હોવાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે કરવામાં આવી હતી. રસીલાબેનની દીકરી તૃપ્તીએ માતાના મૃતદેહની ઓળખ કરી હતી.
આ પણ વાંચો - એસીબીએ છટકું ગોઠવી DILR કચેરીના સર્વેયર સહિત 3 લોકોને 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…
તૃપ્તિ ચુડાસમાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની મા રસીલાનો ધીરૂ ચુડાસમા નામની વ્યક્તિ સાથે લગ્નેત્તર સંબંધ ચાલી રહ્યો હતો. આ વાતને આધારે કામરેજ પોલીસે ધીરૂની શોધખોળ શરૂ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી. પોલીસની સઘન પૂછપરછના અંતે ધીરૂ ચુડાસમાએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી.