સુરત

સુરતની મહિલાને શેરબજારમાં મોટા નફાની લાલચ આપી 20 લાખ પડાવનાર બે ઓરોપી ઝડપાયાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરતઃ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાને શેરબજારમાં રોકાણ કરી અમીર બની જવાની લાલચ આપી મહિલા સાથે કુલ રૂ. 20,67,000ની ઠગાઈ આચરી ફરાર થયેલી ગેંગના બે રીઢા ગુનેગારોની સુરત સાયબર ક્રાઈમ સેલે મુંબઈથી ધરપકડ કરી લીધી છે. પકડાયેલ આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ (ઉં.વ.25) તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના 2.67 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા.

પોલીસે ઠગબાજ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અજરોદ્દીન ખસિમ અજમેર જમાદાર (ઉં.વ.34) થાણેનો રહેવાસી આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસતા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા.

આ પણ વાંચો…ભુજમાં શિક્ષકને શેરબજારમાં તોતિંગ નફાની લાલચ ભારે પડી, રૂ. ૩૨.૮૨ લાખનો લાગ્યો ચુનો

નકલી વેબસાઈટને સેબી રજિસ્ટર્ડ’ કંપની તરીકે ઓળખાવી

ઠગબાજોએ ‘niftystock.in’ નામની એક નકલી વેબસાઈટ બનાવી તેને ‘સેબી (SEBI) રજિસ્ટર્ડ’ કંપની તરીકે ઓળખાવી હતી. આ ગેંગના સભ્યોએ ‘વિજય સિંગ’ અને ‘અનીશ’ તરીકે ખોટી ઓળખ આપી કોમલબેનનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ કોમલબેનને વિશ્વાસમાં લીધા હતા કે, જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે, તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને ‘ફંડેડ એકાઉન્ટ’ ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર કરી હતી.

20,67,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા

નફાની લાલચમાં આવીને કોમલબેને આરોપીઓએ વિવિધ પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂપિયા 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે કોમલબેને પોતાના નફાની રકમ કે મુદલ પરત માંગી ત્યારે આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનુ માલુમ થતાં તેમણે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button