સુરતમાં 35 વર્ષીય બેંક ક્લાર્કને ક્રિકેટ રમતા આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયા થયું મોત

સુરત: સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમતા એક યુવાન અચાનક બેભાન થઇ ગયો હતો.જેથી તેને સારવાર માટે સત્વરે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અહીં ફરજ હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તેમના બે વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જુવાનજોધ દીકરાના મોતથી વૃદ્ધ માતા-પિતા તથા પત્ની આઘાતમાં સરી પડ્યા છે.
મેહુલ દર રવિવારે મિત્રો સાથે ક્રિક્રેટ રમવા આવતો
વિગતે જોઈએ તો, સુરતના ડીંડોલી નવાગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મેહુલ સતીશભાઈ પટેલ રવિવારે સવારે મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. મેહુલભાઈ બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. મેચમાં પોતાની બેટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ મેદાનના ડિવાઈડર પર આરામ કરવા બેઠા હતા, ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. મિત્રો તાત્કાલિક મેહુલભાઈને કારમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
યુવકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ
પ્રાથમિક અનુમાન મુજબ, મેહુલભાઈનું મોત હાર્ટએટેકથી થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તબીબોના મતે યુવાનને હાર્ટ-એટેક આવ્યો હોવાની શક્યતા છે. મેહુલ દર રવિવારે મિત્રો સાથે ક્રિક્રેટ રમવા આવતો હતો, પરંતુ આ વખતે તેનું ક્રિકેટ રમવા આવાવનું છેલ્લું હતું. તેના મિત્રોમાં પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સુરત સહિત ગુજરાતમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ફરી એકવાર ચિંતાનો વિષય બનાવી દીધો છે.
રૂપેશ મકવાણાનું રવિવારે ક્રિકેટ રમતી વખતે આકસ્મિક નિધન
અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો, મુંબઈના લાલબાગ વિસ્તારમાં રહેતા અને રંગભૂમિના આશાસ્પદ કલાકાર તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર રૂપેશ મકવાણાનું રવિવારે ક્રિકેટ રમતી વખતે આકસ્મિક નિધન થયું હતું. માત્ર 30 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે થયેલી તેમની આ અણધારી વિદાયથી નાટ્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રૂપેશે ‘યુગ પુરુષ’ અને ‘ભાગ્ય વિધાતા’ જેવા નાટકોમાં તેમણે કલાકાર તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
આપણ વાંચો: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં માં 17-18 જાન્યુઆરીએ “ઉતરાર્ધ મહોત્સવ” યોજાશે



