સુરત

સુરતમાં ઉમરપાડાના જંગલમાં પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈ ભર્યું અંતિમ પગલું, તપાસ શરુ

સુરત: સુરતમાં જિલ્લામાં પ્રેમી યુગલે આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉમરપાડા તાલુકામાં આવેલા જંગલમાં આ પ્રેમી યુવગે ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમી અને પ્રેમિકાએ ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો છે. આ મામલે જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

જંગલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યાં

ઉમરપાડા તાલુકાના ધાણાવડ નજીક એક કાટણવાડી ગામ આવેલું છે. આ ગામની સીમમાં આવેલા જંગલમાં એક ઝાડ પર બે મૃતદેહો લટકી રહ્યાં હતાં. કાટણવાડી ગામના સ્થાનિકોએ આ દ્રશ્ય જોયું હતું. જેથી તેમણે સત્વરે પોલીસને જાણ કરી હતી. બંને મૃતદેહો એક જ દુપટ્ટાના સહારે લટકી રહ્યાં હતા, જેથી પ્રાથમિક તારણ પ્રમાણે આ યુગલે આત્મહત્યા કરી હશે તેવું અનુમાન છે. પ્રેમપ્રકરણમાં આવું પગલું ભર્યું હોય તેવું પણ બની શકે છે. જોકે, આ હત્યા છે કે, આત્મહત્યા તેની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : સાંતલપુર મામલતદારનો આત્મહત્યાનો પ્રયાસઃ 6 લોકોની ગેંગ દ્વારા બ્લેકમેઈલિંગનો આક્ષેપ

પ્રેમી યુગલે આત્મહત્યા કરી કે તેમની હત્યા થઈ?

પોલીસે આપેલી વિગતો પ્રમાણે આ મૃતદેહની ઓળખ બંસરી શૈલેષભાઈ પટેલ (ધોડિયા પટેલ, રહે. ચોખવાડા, ઉમરપાડા) અને નીરજ બાબુબાઈ પટેલ (ધોડિયા પટેલ, રહે – નવસારી) તરીકે થઈ છે. પોલીસે બંને મૃતદેહોને અત્યારે પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. આ સાથે આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના પાછળની સાચી કહાણી શું છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બોર્ડની પરીક્ષા પહેલા જ ભેંસાણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સાચી હકીકત જાહેર થશે

આ ઘટના બાબતે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, ઉમરપાડા પોલીસની હદમાં જંગલ વિસ્તારમાં યુવક અને યુવતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યા હતો. આની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. બંનેના મૃતદેહોને પોર્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે. જોકે, મોતના કારણે વિશે ચોક્કસ વિગતો મળી નથી. પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સાચી હકીકત જાહેર કરવામાં આવશે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને બંને મૃતદેહોના પરિવારને જાણ કરવામાં આવી છે. સામાન્ય તપાસમાં બંને પ્રેમી હોવાનું જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button