સુરતમાં છેડતીનો ભોગ બનેલી યુવતીનો આપઘાત: સમાજે ન્યાય અપાવવા સીએમને કરી માંગ…

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં ઓડિસા જેવી જ ઘટના બની છે. સુરતના કતારગામમાં 19 વર્ષની ટ્યૂશન ટીચરે છેડતીથી પરેશાન થઈને આપઘાત કરી લીધો છે. આ બાબતની જાણ પરિવારના સભ્યોએ ઘરે આવ્યા પછી થઈ હતી. યુવતીના પિતાએ આરોપ મૂક્યો છે કે કોલેજમાં ભણનારા એક યુવક તેને પરેશાન રહી રહ્યો હતો, તેના ત્રાસથી આ પગલું ભર્યું છે. આ કેસમાં પોલીસ તંત્રે પણ તપાસ હાથ ધરી છે.
રવિવારે કર્યો હતો આપઘાત
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે નેનું વાવડિયા નામની પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતી એક ટ્યૂશન સેન્ટરમાં સહાયક શિક્ષિકા તરીકે કામ કરતી હતી. યુવતીએ રવિવારે નાની વેડ વિસ્તારમાં પોતાના ઘરે આત્મહત્યા કરી. તે સમયે તેનો પરિવાર ઘરની બહાર હતો. જે બાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ મહિનાથી નીલ નામનો 20 વર્ષીય યુવક પીડિતાનો પીછો કરતો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો, જેથી તેને અંતિમ પગલું ભર્યું છે. આ કેસમાં સમાજના આગેવાનોએ પણ ન્યાય અપાવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાનને અપીલ કરી છે.
અહેવાલો પ્રમાણે પીડિતાના પિતાએ જણાવ્યું કે નીલ છેલ્લા પાંચ મહિનાથી તેમની દીકરીનો પીછો કરતો હતો અને તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેણે યુવતીને રોજ ફોન કરી ધમકીઓ આપી અને ટ્યૂશન સેન્ટર જતી વખતે હેરાન કરતો હતો. પિતાએ વિષ્ણુ દેસાઈને ફોન કરી ફરિયાદ કરી હતી, પરંતુ તેમને ગાળો અને ધમકીઓ આપવામાં આવી હતી. જે બાદ પરિવારે યુવક સામે કોઈ પણ એક્શન લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી નથી. હાલ પીડિતાના પરિવારે યુવક અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પરંતુ સવાલ એ ઉઠે છે કે પોલીસ ફરિયાદમાં વિલંબ શા માટે થયો?
સિંઘણપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે નીલ, જે ટ્યૂશન સેન્ટરમાં અગાઉ ભણતો હતો, તે યુવતીને હેરાન કરતો હતો. પોલીસ ટ્યૂશન સેન્ટરના માલિક પાસેથી માહિતી મેળવી રહી છે. પાટીદાર સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી, ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહીની માંગ કરી છે અને આ પત્ર વિજય આર. મંગુકિયાએ લખ્યો છે.