સુરતમાં ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ; આગને કાબૂમાં લેવા જતા બે ફાયર જવાનો દાઝ્યા, હાલત ગંભીર

સુરત: સુરતમાં ગેસ લીકેજના કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. પુણા વિસ્તારમાં આવેલી વિક્રમ સોસાયટીમાં ઘર નંબર 50ના ત્રીજા માળે એક રૂમમાં ગેસ લીકેજ થતાં આગ લાગ હતી. આગ લાગ્યાની જાણ થા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
જો કે, ફાયર વિભાગની ટીમ જ્યારે આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બે ફાયર જવાનોને ગંભીર ઈજાઓ થઈ અને બે સ્થાનિકોને સમાન્ય ઇજાઓ થઈ હતી.
આપણ વાંચો: ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોના મૃત્યુ, 20 દિવસમાં બીજી વખત બની ઘટના
રૂમ નંબર 4માં ગેસ લીકેજના કારણે આગ લાગી
આ વિક્રમ સોસાયટીમાં ઘર નંબર-50ના ત્રીજા માળે છ રૂમ ભાડેથી આપેલા છે, તેમાંથી એક રૂમમાં આગ લાગી હતી. રૂમ નંબર 4માં ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગનો કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી.
આગને કાબૂમાં લેવા માટે કાપોદ્રાના બે ફાયર જવાન સહિતની ટીમ ત્રીજા માળે પહોંચી હતી. તે દરમિયાન ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો ફાટતા દીવાલ ધસી પડી હતી, જેમાં બે ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આપણ વાંચો: પાલઘરમાં ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ…
બન્ને ઘાયલ જવાનો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
એક કલાકની જહેમતે બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. બન્ને ઘાયલ ફાયર જવાનોને વાસુદેવની ખાનગી અને નીરજની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અત્યારે ત્યા તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટ થયો ત્યારે સામેના મકાનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો.
જેના કારણે 19 વર્ષીય પીયૂષ ભૂટિયાને પણ સામાન્ય ઈજા થઈ હતી. રૂમમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેની બેગમાં રોકડા રૂપિયા 20 હજાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ અત્યારે ફાયર વિભાગને આવી કોઈ બેગ મળી નથી.