ધુલિયાથી સુરતમાં દારુની હેરાફેરીઃ દસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ જણ પકડાયાં

સુરત: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીની ઘટનાઓ પોલીસને ચોપડે નોંધતી રહે છે. ત્યારે મહારાષ્ટ્રનાં ધુલિયાથી ગુજરાતમાં દારૂને હેરાફેરી કરનારા લોકો સામે સુરત એલસીબીએ કાર્યવાહી કરી હતી અને બાતમીનાં આધારે બારડોલી-સુરત જતાં માર્ગ પર 3 લાખથી પણ વધુના દારૂનાં જથ્થા સાથે 10.13 લાખનાં મુદ્દામાલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી હતી.
ધુલીયાથી આવતો હતો દારૂ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત એલસીબી પોલીસ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ક્રેટા ગાડી નંબરનો ચાલક તથા ક્લીનર તેની ફોર વ્હીલ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને ધુલીયાથી આવે છે અને વ્યારા બારડોલી-કડોદરા થઇ સુરત શહેર તરફ જનાર છે તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દસ્તાન ગામ નજીક બારડોલીથી સુરત તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.
આપણ વાંચો: દારૂની હેરાફેરીનો નવો કિમીયો, સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં થતી ખેપ ઝડપાઈ…
એક ઈસમ નાસી છૂટ
આ દરમિયાન બાતમીની વિગતોનાં આધારે તે આવેલી ગાડીને રોકવા ઈશારો કર્યો, આથી ગાડીનો ચાલક તથા ક્લીનર પો તાની ફોર વ્હીલ ગાડી દુર બ્રીજના છેડે ઉભી રાખી નિચે ઉતરી ભાગવા લાગ્યા હતા અને રોડની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં ભાગી ગયા અને પોલીસે તેનો પીછો કરીને પકડી લીધા હતા. જો કે રાત્રીના અંધારાનો લાભ લઈને એક ઈસમ નાસી છૂટયો હતો.
10.13 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસમાં આરોપીએ સ્વીકાર્યું હતું કે, તે અગાઉ પણ વિદેશી દારૂનો ધંધો કરતો હતો. તે નવાપુરથી આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી સુરત શહેર ખાતે કોઇ પાર્ટીને પહોંચાડવા જતો હતો. તે પાર્ટી કુંભારીયા ખાતે આવીને ગાડી લઇ જવાની હતી.
આ કેસમાં પોલીસે બારડોલીનાં અઝરૂદીન સબ્બીરભાઇ રાવત, મહારાષ્ટ્રનાં નાગપુર જિલ્લાનાં રહેવાસી લાલુભાઈ તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે 3,08,640 રૂપિયાની કિંમતનો દારૂ, 7 લાખની કિંમતનું વાહન તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ 10,13,640 રૂપિયાનાં મુદ્દામાલને જપ્ત કર્યો હતો.