સુરત

ઉત્તરાયણને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું; ચાઈનીઝ દોરી, ટુક્કલ અને ડીજે વગાડવા પર પ્રતિબંધ

સુરતઃ ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારથી પતંગો ચગાવવાનું શરૂ થઈ ગયું છે. સુરત શહેરમાં આગામી ઉત્તરાયણનાં તહેવાર અનુસંધાને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને માર્ગ અકસ્માતો થતા નિવારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વના દિવસે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહીં

સુરત શહેર પોલીસ કમિશનરને જાહેરનામું બહારપાડીને કેટલીક બાબતે ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરાયણનાં તહેવારને અનુસંધાને કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ પર કોઈપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહીં અને જાહેર માર્ગો પર બેફામ રીતે પતંગ ઉડાવવા અંગે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત

ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, નાયલોન, સિન્થેટિક મટીરિયલ, કાચનો ભૂકો કે લોખંડના પાઉડરથી કોટેડ કરેલી ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી અને ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડની આયાત કે વેચાણ કરી શકાશે નહીં. જો આવું જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

માત્રા જીવલેણ દોરી જ નહીં પરંતુ ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદવા, વેચવા કે ઉડાડવા પર સખત પ્રતિબંધ છે. આ સાથે નાગરિકો અને પક્ષીઓના રક્ષણ માટે સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરતમાં જાહેર માર્ગો, ફૂટપાથ કે ભયજનક ધાબા પરથી પતંગ ઉડાડવા, રસ્તા પર કપાયેલી પતંગ કે દોરી પકડવા દોડવા પર પણ પ્રતિબંધ છે, જો કોઈ આવું કરતું જણાવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…મકર સંક્રાંતિ 2026: પોંગલથી લઈને બિહુ સુધી, જાણો ભારતના કયા રાજ્યમાં કયા નામે ઉજવાય છે ઉત્તરાયણ

ઉત્તરાયણ દરમિયાન લોકોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પતંગ પર કોઈની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો લખી શકાશે નહીં. સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું આગામી 5 જાન્યુઆરી સોમવારથી લઈને 16 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button