સાત વર્ષથી નાસતો ફરતો છેતરપિંડી કેસનો આરોપી, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે કરી ધરપકડ

સુરતઃ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી સંસારી જીવન છોડીને સાધુ બની ગયો અને ઋષિકેશમાં રહેવા જતો રહ્યો હતો. પોલીસથી બચવા માટે આરોપી ઋષિકેશમાં આવેલા સ્વામીનારાયણ આશ્રમમાં કિશનગીરી મહારાજ બનીને રહેતો હતો. જો કે, પોલીસ દ્વારા તેની ધકપકડ કરી દેવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરત અને સૌરાષ્ટ્રના લોકો સાથે છેતરપિંડી આચરી હતી
વર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીએ સુરતમાં આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ‘કે.પટેલ એન્ડ એસોસીયેટ’ તથા ‘કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ’ નામની ઓફિસો ખોલી હતી. આ કંપનીઓ દ્વારા લોકોને લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવતી હતી. સુરત સાથે સાથે રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર-કચ્છ અને જૂનાગઢમાં પણ આવી ઓફિસો ખોલી હતી.
આરોપીએ અંદાજિત 84,00,000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું
આરોપીએ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને અંદાજિત 84,00,000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું. 84 લાખની ઠગાઈ આચરીને કાંતિલાલ તાડા અચાનક ગાયબ થઈ ગયો હતો. લોકોએ તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ફરાર થઈ ગયો હતો. આ મામલે વર્ષ 2018 માં કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે સતત તપાસ ચાલુ રાખી અને આરોપીને છેક ઉત્તરાખંડના ઋષિકેશમાંથી ઝડપી પાડ્યો હતો.
પિતાની તબિયત વધુ લથડી હોવાના સમાચાર મળતા સાધુ બની ગયેલા કાંતિલાલ ઋષિકેશથી ગુજરાત પરત આવ્યો હતો. પરંતુ પોલીસના ડરથી તે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગરપીપળીયા પાસે આવેલા જોગમઢી આશ્રમમાં રોકાયો હતો. જેની પોલીસને બાતમી મળી ગઈ હતી. જેથી પોલીસે આ આશ્રમમાં દરોડો પાડ્યા અને 53 વર્ષીય કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાની ધરપકડ કરી લેવામાં આવી હતી.



