સુરત

મહારાષ્ટ્રની ‘પારધી ગેંગ’ સુરતમાંથી ઝડપાઈ, રેલવે સ્ટેશનની લિફ્ટમાં 15 લાખના દાગીનાની કરી હતી ચોરી…

સુરતઃ સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. સુરત પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગને ઝડપી પાડી છે. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે, તેઓ પોતાની માસૂમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યાં છે. આ કેસમાં પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15.30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

આરોપીઓને કોર્ટમાં રજુ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા

પોલીસે પારધી ગેંગના આરોપીઓને કોર્ટમાં રજુ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગેંગના લોકો મહારાષ્ટ્રના અમરાવતીના છે, આરોપીઓને ઝડપવા માટે પોલીસે તેમના મોબાઈલને ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રાખ્યો હતો. આરોપીઓ અમરાવતીથી સુરત આવ્યા કે તરત જ એલસીબીની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે (ઉંમર વર્ષ 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલે (ઉંમર વર્ષ 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી 15.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે આરોપીઓ સાથે પૂછપરછ કરી ત્યારે આ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબૂલાત કરી હતી. આરોપીઓએ સુરતમાં 15.60 લાખના દાગીનાની ચોરી, લિફ્ટમાં 50,000 રોકડાની ચોરી, સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી. હવે પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button