
સુરતઃ સુરતના લિંબાયત વિસ્તારામાં આતંક ફેલાવનાર ચિયા ગેંગ (Chia Gang)ના સભ્યોને પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ગેંગના સભ્યો સુરત શહેરમાં મારપીટ, હપ્તા વસૂલી અને ખુલ્લેઆમ હથિયારો લઈને લોકોમાં ડર ફેલવતા હતાં. આ મુદ્દે સુરત એસઓજી પોલીસે (Surat SOG Police) આ ગેંગના ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, પરંતુ તે જગ્યાએ આ લોકોને ડરાવતા હતા તે જગ્યાએ લઈ જઈને તેમનું સરઘસ પણ કાઢ્યું હતું.
દાદાગીરી કરનારા આરોપીઓએ માફી માંગી
પોલીસે આરોપી માઝિદ, સમીર અને દીપકની ધરપકડ કરી છે. જ્યારે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ આરોપીઓ લોકોની માફી માંગતા નજરે પડ્યાં હતા. સ્થાનિકોએ જણાવ્યું કે, આરોપીઓને પોલીસે સારો એવો મેથીપાક પણ ચખાડ્યો છે. સુરત પોલીસે દાખલો બેસાડ્યો છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં! પોલીસની આ કાર્યવાહીના કારણે અસમાજિક તત્વોમાં કાયદાનો ડર બેઠો છે.
‘હું આ વિસ્તારનો બાપ છું’ કહી રૂપિયાની ઉઘરાણી કરતા
આરોપીઓએ થોડા દિવસ પહેલા રાણી તળાવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે જઈને ધમાલ કરી હતી. એટલું જ નહીં પરંતુ ધમકી આપતા કહ્યું હતું કે, હું આ વિસ્તારનો બાપ છું, અહીં રહેવું હોય તો હપ્તો આપવો જ પડશે. આરોપીઓ લોકોને ડરાવી ધમકાવીને રૂપિયાની ઉઘરાણી કરતા હતાં. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં અનેક વખત મારામારી પણ કરી હતી. પોતાના આ વિસ્તારનો બાપ ગણાવનાર આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવી દીધું છે.
આપણ વાંચો: નશામુક્ત ગુજરાત: કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો
લોકોને ધમકી આપતા વીડિયો વાયરલ
સુરતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. પોલીસ કાર્યવાહી કરે છે તેમ છતાં પણ છાશવારે કોઈ મોટી ક્રાઇમની ઘટના બનતી હોય છે. આવા અસામાજિક તત્વો પણ અનેક વખત ધમકી આપતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેથી પોલીસે હવે આવા કેસમાં સઘન કાર્યવાહી કરવાની જરૂર છે.