સુરત

ભારતીય પાસપોર્ટ મેળવવા નકલી દસ્તાવેજો બનાવનાર અફઘાનિસ્તાની નાગરિકની ધરપકડ, એક ફરાર…

સુરત: સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકજ કરવામાં આવી છે. મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીએ ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્રના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો બનાવ્યાં હોવાનો આરોપ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેથી સુરત પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે મોહમદ આમીર

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે. હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહેતો હતો. આરોપી મોહમદ આમીર યુએન રેફ્યુઝી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો. પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપીનું પણ નામ પ્રકાશમાં આવ્યું

આરોપીએ ભારતીય દસ્તાવેજો મેળવવા માટે મહારાષ્ટ્રમાં રહેતા અગજાન નામના વ્યક્તિનો સહારો લીધો હતો. આ આરોપી અગજાન મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી છે. આરોપીઓએ મહારાષ્ટ્રના જાલના મહાનગર પાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું હતું. જેના આધારે, આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા.

વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે વોન્ટેડ આરોપી અગજાનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ ફરાર વોન્ટેડ આરોપીએ હજી કેટલા લોકોના આવા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હશે? તે મામલે પણ તપાસ થવી જરૂરી છે. બોગસ દસ્તાવેજ બનવા બદલ તેના સામે કડક કાર્યવાહી થવી પણ જરૂરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button