સુરતનો પાટીદાર સમાજ ‘બંધારણ’ બનાવશે, દીકરીઓને લવ મેરેજ કરતી રોકવા ક્યા નિયમો બનશે ?

સુરતઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી દીકરીઓના લવ મેરેજનો મુદ્દો ચર્ચામાં છે. આ દરમિયાન સુરતના પાટીદાર સમાજે મોટો નિર્ણય લીધો હતો. સુરતનો પાટીદાર સમાજ બંધારણ તેમજ દીકરીઓને લવ મેરેજ કરતી રોકવા માટે નિયમો બનાવશે. શહેરમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીની ભૂમિ પૂજન પ્રસંગમાં આ નિર્ણય લેવાયો હતો.
આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું, પાટીદાર સમાજે આર્થિક અને શૈક્ષણિક ખૂબ પ્રગતિ કરી છે. આ વિકાસને જાળવી રાખવા સામાજિક બંધારણની અત્યંત જરૂરિયાત છે. દીકરીઓ ઘણી વખત નાની ઉંમરમાં ખોટા પગલાં ભરી લે છે, જે યોગ્ય નથી. તેમનાથી તેમની જિંદગી બગડે છે અને અંતે દુઃખી થાય છે. આવું ન થાય તે માટે કાયદો ઘડવાની જરૂર છે અને તે સમાજ માટે ઉપયોગી થશે.
આ ઉપરાંત પાટીદાર અગ્રણીઓના કહેવા મુજબ, લગ્ન પ્રસંગોમાં થતા મોટા અને બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા જોઈએ. દીકરા-દીકરીઓમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા નિયમ હોવા જોઈએ. સમાજમાં નવા પ્રશ્નો અને વિવાદો ન સર્જાય તે માટે લેખિત નિયમો (બંધારણ) હોવા જરૂરી છે.
સૂત્રોએ જણાવ્યું કે, હાલ સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. જો સમાજના તમામ લોકો સહમત થશે તો જ આ બંધારણ ઘડવામાં આવશે અને તેનો કડક અમલ કરવામાં આવશે.
આરતી સાંગાણીના લગ્ન વિવાદ બાદ ઉઠી રહી છે માંગ
ડિસેમ્બર 2025માં પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે. બન્ને વચ્ચે દોઢ વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. આરતી સાંગાણીના લગ્નને લઈને પાટીદાર સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો હતો. પાટીદાર આગેવાનોના કહેવા પ્રમાણે, આરતી સાંગાણી અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે. જેથી સમાજમાં ખૂબ રોષ છે.
વાલ્મીકિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પટેલ સમાજ અત્યારે સાચો છે, કોઈપણ માબાપ દીકરીને ઉછેરે, મોટી કરે, ભણાવી ગણાવીને સારા પદ-પ્રતિષ્ઠા અપાવે અને તેને કોઈ વ્યક્તિ આવીને પ્રેમ જાળ કે લગ્ન અંગે ફસાવે તો પરિવાર તેને ન સ્વીકારી શકે એ અમે પણ સમજી શકીએ છીએ. પણ આજથી દોઢેક વર્ષ પહેલા જ અમરેલીના બગસરામાં પટેલ સમાજના દીકરાએ વાલ્મીકિ સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને વાલ્મીકિ સમાજને ત્યાં જાન લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે જો તેઓ અમારી દીકરીને સ્વીકારી શકતા હોય તો દીકરાને કેમ ન સ્વીકારે. તેમણે પટેલ સમાજના યુવાનોને પણ આ અંગે સમજવા માટે અપીલ કરી હતી અને આગળ આવવા અપીલ કરી હતી.



