સુરત

સુરતી લાલાઓ માટે ખુશખબર: જહાંગીરપુરામાં ₹7.94 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક નાઇટ ફૂડ માર્કેટ

સુરત: ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે પાલિકા વહીવટી તંત્ર વધુ એક આકર્ષણ ઊભું કરવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા (SMC) એ શહેરની વધતી જતી વસ્તી અને રાત્રિના સમયે ખાણીપીણીના ક્રેઝને ધ્યાનમાં રાખીને વધુ એક નાઇટ ફૂડ માર્કેટ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છે. રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં આ સુવિધા વિકસાવવા માટે અંદાજે ₹7.94 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાત્રિના સમયે સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે જમવાનું પસંદ કરતા પરિવારોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના પીપલોદ વિસ્તારમાં કાર્યરત નાઇટ ફૂડ માર્કેટને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને તહેવારો અને રજાઓના દિવસે ત્યાં ભારે ભીડ જોવા મળે છે અને લાંબી કતારો લાગે છે. પીપલોદની આ જબરદસ્ત સફળતાથી પ્રેરાઈને સુરત મહાનગરપાલિકાએ હવે શહેરના અન્ય ઝોનમાં પણ આવી સુવિધાઓ ઊભી કરવાનું નક્કી કર્યું છે. જહાંગીરપુરામાં બનનાર આ નવું માર્કેટ આ વિસ્તારના અને આસપાસના રહીશો માટે મોટું નજરાણું સાબિત થશે, જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ વહેંચાઈ જશે.

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, ગેરકાયદે કબજો જમાવનારા યુનિયનોની 11 ઓફિસો ખાલી કરાવી

મ્યુનિસિપલ કોર્પોરેશનની દરખાસ્ત મુજબ, આ નવું નાઇટ ફૂડ માર્કેટ જહાંગીરપુરાની ટીપી સ્કીમ નંબર 30 (વાંકલા-ઓખા-વિહેલ) ના ફાયનલ પ્લોટ નંબર 130 પર બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંદાજે 8,559 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હશે. આ ફેસિલિટીમાં ફૂડ પ્રેમીઓ માટે 28 જેટલા અદ્યતન ફૂડ સ્ટોલ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત, મુલાકાતીઓની સુવિધા માટે 122 ટુ-વ્હીલર અને 12 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેટલી વિશાળ પાર્કિંગ જગ્યા, ટોયલેટ બ્લોક્સ અને વોચમેન કેબિન જેવી પાયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે તેના નિર્માણ માટે સુરત મહાનગરપાલિકા પર કોઈ વધારાનો આર્થિક બોજ પડશે નહીં. આ પ્રોજેક્ટ વર્ષ 2025-26 માટેની ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ મળનારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને સાકાર કરવામાં આવશે. આગામી સમયમાં જ્યારે આ માર્કેટ તૈયાર થઈ જશે, ત્યારે જહાંગીરપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં નાઇટ લાઈફમાં વધારો થશે અને સ્થાનિક રોજગારીની તકો પણ ઉભી થશે. સુરતની સુંદરતા અને સુવિધામાં આ વધુ એક યશકલગી સમાન પ્રોજેક્ટ બની રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button