સુરત મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, ગેરકાયદે કબજો જમાવનારા યુનિયનોની 11 ઓફિસો ખાલી કરાવી

સુરતઃ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)માં વર્ષોથી વહીવટી તંત્ર માટે ન્યૂશન્સ બની ગયેલા યુનિયનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે યુનિયનોની કાયદેસરતા પર પ્રશ્નાર્થ ઊભો કરીને કાયદેસરતા પુરવાર ન કરી શકનારા યુનિયનો સામે ગાળિયો કસ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવનારા 11 યુનિયનની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે. સુરત મનપામાં કેટલાક યુનિયન નેતાઓ દ્વારા મહેકમ-રિક્રુટમેન્ટ, ભરતી, બઢતી, બદલી અને લાયકાતો નિર્ધારણ જેવા વહીવટી નિર્ણયોમાં વારંવાર દખલગીરી કરવામાં આવતી હતી.
11 યુનિયનની ઓફિસોને ખાલી કરાવી દીધી
મળતી વિગતો પ્રમાણે છાસવારે સૂત્રોચ્ચાર, નારેબાજી અને મોરચાબંધી દ્વારા વહીવટી તંત્ર અને શાસકોનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ ગતિવિધિઓને ગંભીરતાથી લેતા શાસકોની છૂટ મળતાં વહીવટી તંત્રએ કાર્યવાહીનું હોમવર્ક પૂર્ણ કર્યું અને 11 યુનિયનની ઓફિસોને ખાલી કરાવી દીધી છે. કેટલાક યુનિયન સભ્યોએ મનસ્વી વર્તન કર્યું હતું અને અધિકારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
25 યુનિયનો અને મંડળોને નોટિસ ફટકારવામાં આવી હતી
સુરત કોર્પોરેશનમાં કાર્યરત યુનિયનોની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવતા, ડેપ્યુટી કમિશનરે 25 યુનિયનો અને મંડળોને નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં તેમને સાત દિવસની અંદર કાયદેસરતાના પુરાવા આપવાનું કહેવામાં આવ્યું હતું. મુગલસરાય બિલ્ડિંગમાં ઓફિસો પર કબજો કરતા અગિયાર યુનિયનો ખાલી કરવા માટે કડક અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. બુધવારે સાંજે 6:10 વાગ્યે સાત દિવસની આ સમયમર્યાદા પૂર્ણ થઈ હતી. સમય પૂર્ણ થતાં આ યુનિયનોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં.
છેલ્લા 10 વર્ષથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, સેન્ટ્રલ ઝોન અને હાઉસિંગ વિભાગની ટીમોએ તમામ 11 ઓફિસોમાંથી સાઇનબોર્ડ દૂર કર્યા હતાં. આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પોલીસ કર્મચારીઓને પણ હાજર રાખવામાં આવ્યાં હતાં. આ 11 યુનિયનો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ગેરકાયદેસર રીતે ઓફિસમાં કબજો જમાવીને બેઠા હતાં. તેમની પાસે 2015થી એટલે કે છેલ્લા 10 વર્ષથી રજિસ્ટ્રેશન નથી. તેમને ખાલી કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. તેવામાં ડેપ્યુટી કમિશનર પાસે નવા 3 યુનિયનોની અરજી પણ આવી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.



