સુરત મનપા ઊંઘતી ઝડપાઈ: EV ચાર્જિંગ સ્ટેશન પર ઝાડી-ઝાંખરા જોવા મળ્યા, ગેરકાયદે દબાણની ઊઠી ફરિયાદ

સુરત: પ્રદૂષણ અટકાવવાના હેતુ સાથે હવે ઘણા લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવવા લાગ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે હવે મહાનગરપાલિકાઓ પણ શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરી રહી છે. પરંતુ સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની જાળવણીને લઈને મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આવી છે.
ઇવી ચાર્જિંગ સેન્ટરની જાળવણીમાં બેદરકારી
સુરત શહેરને પ્રદૂષણ મુક્ત કરવા અને ગ્રીન એનર્જીને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર-ઠેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ શહેરના ભટાર ચાર રસ્તા પાસેના સ્માર્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન પર સુરક્ષાના નિયમોના સરેઆમ લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભટાર ચાર રસ્તા નજીક આવેલું સ્માર્ટ ઇવી ચાર્જિંગ સેન્ટર હાલ લોકો માટે સુવિધાને બદલે મોટી દુવિધા બની ગયું છે. એક તરફ તંત્ર ગ્રીન એનર્જીને વેગ આપવાના મોટા દાવાઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભટાર વિસ્તારમાં સ્માર્ટ ઇવી ચાર્જિંગ સેન્ટર અત્યંત જર્જરિત અને દયનીય હાલત જોવા મળી રહી છે.
અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન
મેન્ટેનન્સના અભાવે આખા સ્ટેશનમાં ચારેતરફ ઊંચા ઝાડી-ઝાંખરા અને ઘાસ ઊગી નીકળ્યું છે. જે જગ્યાને ચોખ્ખી અને સુરક્ષિત રાખવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની હતી, તે જગ્યા અત્યારે દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈવી સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે દબાણો થઈ રહ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જાહેર મિલકતનો આવો દુરુપયોગ એ પાલિકાના વહીવટીતંત્રની નિષ્ફળતા સાબિત કરે છે.
આપણ વાંચો: દાહોદમાં ત્રણ પોલીસકર્મીની જ દારૂની તસ્કરીમાં સંડોવણી, ગાડી મૂકીને ફરાર



