સુરત

સુરતના પલસાણામાં બનશે ‘મહાકાલ’ અને ‘સાલાસર બાલાજી’નું દિવ્ય સંગમધામ!

સુરત: ડાયમંડ સિટી સુરત હવે ધાર્મિક પર્યટન ક્ષેત્રે પણ વિશ્વ ફલક પર ચમકવા જઈ રહ્યું છે. સુરત-મુંબઈ નેશનલ હાઈવે પર પલસાણા નજીક એક અત્યંત ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર અને રાજસ્થાનના આસ્થાના કેન્દ્ર સમાન સાલાસર બાલાજી મંદિરની પ્રતિકૃતિ અહીં 41 વીઘા જમીન પર તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને હવે ઘર આંગણે જ જ્યોતિર્લિંગ અને હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શનનો લાભ મળશે.

શ્રી મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા આ મહાકાય પ્રોજેક્ટ પાછળ અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ટ્રસ્ટના અધ્યક્ષ સત્યનારાયણ ગોયલના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટનું આયોજન ચાલી રહ્યું હતું. 29 એપ્રિલ, 2026ના રોજ દેશભરના સંતો-મહંતો અને અગ્રણી નેતાઓની હાજરીમાં આ ધામનો શિલાન્યાસ કરવામાં આવશે. આ મંદિર નિર્માણનું કાર્ય 2029 સુધીમાં પૂર્ણ કરી તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ મંદિર સંકુલ માત્ર દર્શન પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ અહીં 11 વીઘામાં ભક્તો માટે ગેસ્ટ હાઉસ, ધ્યાન કેન્દ્ર (મેડિટેશન સેન્ટર), રહેવાની ઉત્તમ સગવડ અને ભોજનાલય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, ઉજ્જૈનની જેમ જ અહીં એક વિશાળ ‘જલકુંડ’ પણ બનાવવામાં આવશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અહીં 500 ગાયો માટે એક વિશાળ ગૌશાળાનું પણ નિર્માણ થશે, જે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓના અભ્યાસ માટે અહીં એક વિશેષ યુનિવર્સિટી બનાવવાનું આયોજન છે, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પ્રદીપ ગુરુજીએ જણાવ્યું કે, સુરતમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ નિયમિતપણે ઉજ્જૈન અને સાલાસર જાય છે, ત્યારે આ નવું ધામ સમગ્ર પશ્ચિમ ભારત માટે આસ્થા અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

આપણ વાંચો:  ભવનાથના ભાજપના લોકોએ જમીન દબાવી હોવાથી ભક્તોને મુશ્કેલી; ગોપાલ ઇટાલિયાના કરા પ્રહાર!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button