સૂરતમાં મેઘો મહેરબાન : 2 કલાકમાં જ ચાર ઇંચ વરસાદથી સ્માર્ટ સિટી પાણીપાણી!

સુરત: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં જ રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે બફારા બાદ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મુશળધાર વરસાદ પડ્યો હતો. માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ પડી જતાં સુરત પાણી પાણી થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ધોધ જોવા ગયેલા પ્રવાસીઓ ફસાયા
સુરતમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ચૂક્યા હતા. શહેરના જવાહરનગર, ઉમરવાડા (લિંબાયત ઝોન વિસ્તાર)માં કોયલી ખાડીનાં પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતાં સ્થાનિક અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળે જવાની ફરજ પડી હતી. અચાનક પડેલા વરસાદના કારણે અનેક સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે. વરાછા પોલીસ સ્ટેશન સામે ગોઠણડૂબ પાણી ભરાયાં હતા. અઠવાગેટ, પુણાગામ, વરાછા,ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોએ ભારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજે બપોર બાદ 6 થી 8 વાગયા સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત શહેરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતાં સમગ્ર શહેર જળબંબાકાર થઈ ચૂક્યું હતું. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં સવા ચાર ઇંચ નોંધાયો છે. કામરેજમાં સાડા ચાર ઇંચ, સુરત સિટીમાં ચાર ઇંચ જેટલો તથા તાપીના નિઝરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Monsoon 2024 : આગામી બે દિવસમાં આ રાજ્યોમાં પડશે વરસાદ, ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તાપીના નિઝરમાં 5 ઇંચ, સુરતના પલસાણામાં 4 ઇંચ, કામરેજમાં સાડા ચાર ઇંચ, સુરત શહેરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગુજરાતના અન્ય સ્થળે પડેલા વરસાદના આંકડા જોઈએ તો વેરાવળ-પાટણમાં અને સુરતના મહુવામાં સાડા ત્રણ ઇંચ, જામ જોધપુરમાં સાડા ત્રણ ઇંચ, બારડોલી અને નવસારીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના અન્ય સ્થળોએ પડેલા વરસાદના આંકડા જોઈએ તો જામનગરમાં 3 ઇંચ, ગણદેવી અને પારડીમાં અઢી ઇંચ, વિસાવદર અને મેંદરડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.