7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા પિતા કોર્ટમાં પહોંચ્યા: કોર્ટે પત્નીને નોટીસ પાઠવી, જાણો શું મામલો

સુરત: જૈન ધર્મમાં નાની ઉંમરના બાળકો ધાર્મિક દીક્ષા લેવડાવવામાં આવતી હોવા અંગે અગાઉ વિવાદ થઇ ચુક્યા છે, કેટલાક બાળ અધિકાર કાર્યકર્તાઓ આ પરંપરાની યોગ્યતા પર સવાલો ઉઠાવી ચુક્યા છે. એવામાં સુરતની ફેમિલી કોર્ટમાં એક પિતાએ તેની સાત વર્ષની દીકરીની ધાર્મિક દીક્ષા રોકવા અરજી દાખલ કરી છે, જેને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પિતાએ દીકરીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરીને મુંબઈમાં યોજાનારા દીક્ષા સમારોહને અટકાવવા માંગ કરી છે.
સુરતના શેરબજાર ટ્રેડર સમીર શાહે ફેમિલી કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું કે તેમનાથી અલગ રહેતી પત્નીએ તેમની સંમતિ વગર જ દીકરીને દીક્ષા આપવાવાનો નિર્ણય લીધો હતો. તેમના છૂટાછેડા થયા નથી. અરજદારે સાત વર્ષની દીકરી અને પાંચ વર્ષના દીકરાની કસ્ટડી તેમને સોંપવા કોર્ટને અરજી કરી. તેમણે જણાવ્યું કે તેઓ બાળકોને સારું શિક્ષણ આપવા ઈચ્છે છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે.
આ પણ વાંચો : જૈન ધર્મમાં ‘સંથારા’ હેઠળ ઉપવાસ બાદ ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ, જાણો શું છે મામલો?
વોટ્સએપ ગ્રુપમાં દીક્ષા વિષે જાણ થઇ:
અરજદારે કોર્ટને જણાવ્યું કે તેમને પત્નીના નિર્ણયની જાણ ન હતી. જૈન સમુદાયના એક વોટ્સએપ ગ્રુપમાં તેમને ફેબ્રુઆરી 2026માં યોજાનારા દીક્ષા સમારોહની જાણ થઇ, આ સમરોહ દરમિયાન દીક્ષા લેનારા લોકોની યાદીમાં તેમની દીકરીનું નામ દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતાં.
અરજદારે જણાવ્યું કે તેમણે તેમના સસરા અને જૈન સમુદાયના આગેવાનોને દીકરીની દીક્ષા રોકવા વિનંતી કરી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યાર બાદ તેમણે ધ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ 1890 કલમ 7 અને કલમ 24 હેઠળ ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ પણ વાંચો : જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં
પત્ની પર આરોપ:
અરજીમાં કહેવામાં આવ્યું કે પોતાની મરજીથી આવો નિર્ણય લેવા માટે બાળકની ઉંમર ખુબ ઓછી છે. અરજદારે દાવો કર્યો કે તેની સંમતિ પત્ની દીકરીને ધાર્મિક મેળાવડામાં લઈ જતી હતી અને અમદાવાદ સ્થિત આશ્રમમાં એક ‘ગુરુ’ પાસે એકલી છોડી દીધી હતી.
13 વર્ષ પહેલા થયા હતાં લગ્ન:
સુરતના અડાજણના રહેવાસી સમીર શાહના લગ્ન 2012માં સુરતના નાનપુરાની રહેવાસી મહિલા સાથે થયા હતા, કોઈ કારણો સર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતાં. વર્ષ 2024માં પત્નીએ બે બાળકો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી.
આ પણ વાંચો : મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…
ફેમિલી કોર્ટના જજ એસ.વી. મન્સુરીએ આ કેસમાં પ્રતિવાદી પત્નીને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 22 ડિસેમ્બરે નક્કી કરી છે.
વર્ષ 2021 માં પણ આવો જ કેસ બન્યો હતો. સુરતના વેસુમાં એક માતાએ તેના નાના દીકરાને દીક્ષા આપવાનો પ્રયાસ કર્યો અને બાળકના પિતા અને પરિવારે તેનો વિરોધ કર્યો હતો.



