સુરત

સુરત કોર્પોરેશનની નવતર પહેલ, 200 કરોડના ગ્રીન બોન્ડ આઇપીઓ માટે મેળવ્યું કલાઈમેટ બોન્ડ સર્ટિફિકેટ

સુરત : ગુજરાતની મહત્વની મહાનગર પાલિકાઓમાંની એક સુરત કોર્પોરેશને મહત્વની પહેલ કરી છે. સુરત કોર્પોરેશન શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. જેની માટે સુરત કોર્પોરેશને યુકેથી કલાઇમેન્ટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું છે. જે સેબીમાં આઈપીઓની અરજી માટે મદદરૂપ સાબિત થશે. ગ્રીન બોન્ડ માટે સેબી આ સર્ટિફિકેટનો આગ્રહ રાખતી હોય છે.

આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરાઈ

સુરત કોર્પોરેશન આવકના સ્ત્રોત વધારવા શેરબજારમાં ઝંપલાવશે. શહેરમાં વિકાસકાર્યો માટે જરૂરી નાણાંસહાય તેમજ વિવિધ પ્રોજેક્ટો માટે ફંડ એકત્ર કરવા મહાનગરપાલિકા શેરબજારમાં સક્રિય થવાની તૈયારીઓમાં છે. શહેરમાં સોલર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યો માટે પાલિકા દ્વારા બજેટમાં 200 કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. પબ્લિક ઈશ્યૂ બહાર પાડવામાં આવશે તો વ્યાજ દર પાલિકા નક્કી કરી શકશે. આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરાઈ છે.

ગ્રાહકોને વ્યાજને બદલે ડિવિડન્ડ ચુકવશે

સુરત કોર્પોરેશન ગ્રીન બોન્ડ માટે પ્રાઈવેટ કે બેંકિગ ફંડને બદલે પબ્લિક સેક્ટર પાસે જશે. ગાંધીનગરથી મંજૂરીની મહોર વાગતા જ આઈપીઓ માટે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે. ફંડ મેળવી મનપા ગ્રાહકોને વ્યાજને બદલે ડિવિડન્ડ ચુકવશે.આઈપીઓ લોન્ચ કરવા રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શું છે કલાઇમેન્ટ બોન્ડ સર્ટિફિકેટ ?

વૈશ્વિક સ્તરે કામ કરતી લંડનની ક્લાઈમેટ બોન્ડ ઈનિશિયેટિવ સંસ્થા છે. ક્લાઇમેટ બોન્ડ્સ સ્ટાન્ડર્ડ અને સર્ટિફિકેશન સ્કીમ એ એસેટ્સ, બોન્ડ્સ, લોન અને અન્ય દેવા માટે લેબલિંગ સ્કીમ છે. જે પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટના લક્ષ્યો સાથે સુસંગત છે. આ યોજનાનો ઉપયોગ વૈશ્વિક સ્તરે બોન્ડ ઇશ્યૂ કરનારા, સરકારો, રોકાણકારો અને નાણાકીય બજારો દ્વારા કરવામાં આવે છે. જે રોકાણોને પ્રાથમિકતા આપવા માટે કરવામાં આવે છે જે ખરેખર કલાઇમેટ ચેન્જના માપદંડોના અમલ માટે પ્રયાસો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button