સુરતના ટોચના બિલ્ડરનું દીકરીના લગ્નના દિવસે જ મોત, 4 દિવસ પહેલાં જાતે ગોળી મારી હતી

સુરતઃ શહેરના ટોચના બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને 4 દિવસ પહેલાં આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં મોત થયું હતું. જોગાનુજોગ આજે તેમની દીકરીના લગ્નનો દિવસ હતો. દીકરીના લગ્નનો દિવસ જ મૃત્યુ તિથિ બની જતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
આજે અંગ દાનની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે જ અચાનક તુષાર ઘેલાણીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હાર્ટ બેસી જવાને કારણે શરીરના મહત્વના અંગો ફેઈલ થવા લાગ્યા હતા, જેના પરિણામે કિડની, લિવર કે હૃદય જેવા અન્ય અંગોનું દાન કરી શકાયું નહોતું. અંતે, માત્ર તેમના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
સુરતના સિટીલાઇટ સ્થિત જાણીતા બિલ્ડરે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે 4 દિવસ પહેલાં ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોળી છૂટવાના અવાજને સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. બિલ્ડર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી પરિજનોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
થોડા દિવસ પૂર્વે અમદાવાદમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ ગોહિલની ગનમાંથી ભૂલથી છૂટી ગયેલી ગોળી પત્ની રાજેશ્વરીને લાગી જતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર મોડી રાત્રે યશપાલ પોતાની ગન હાથમાં લઈ ફેરવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમાંથી ગોળી છૂટી હતી અને તેમના પત્ની રાજેશ્વરીને લાગી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. યશપાલે 108 ઈમરજન્સી નંબરને ફોન કર્યો હતો અને ટીમ તાબડતોબ આવી હતી. ઈમરજન્સી ટીમે પત્નીને મૃત જાહેર કરતા યશપાલને આઘાત લાગ્યો હતો. ટીમના સભ્યો બહાર નીકળ્યા જ હતા ત્યાં યશપાલે પણ પોતાની જાત પર ગોળી ચલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું.



