સુરતમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાયું પણ હોસ્પિટલે પહેલા રૂપિયા માંગી સારવાર ના કરી, પરિવારનો આક્ષેપ

સુરતઃ સુરતમાં આવેલા વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની માસૂમ પુત્રી આયેશા સાથે બાઈક પર સવાર થઈ ફરવા નીકળ્યા હતા. બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેમના રસ્તામાં આવી જતા રેહાને સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી ત્રણેય સભ્યો બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયા હતાં. આ અકસ્માતમાં ત્રણેયના મોત થયું હતું. આ કેસમાં હવે એક બીજો વળાંક આવ્યો છે.
મહાવીર હોસ્પિટલ સામે સારવાર માટે પહેલા રૂપિયા માંગ્યાનો આક્ષેપ
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ રેહાન પોતાની પત્ની રેહાનાને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં મહાવીર હોસ્પિટલે પ્રાથમિક સારવાર બાદ વધારે સારવાર આપવા માટે પહેલા રૂપિયા માંગ્યાં હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે. જેથી આ મામલો વિવાદાસ્પદ બન્યો છે. ઉત્તરાયણના દિવસે દાન કરીને પૂણ્ય કમાવવાનું હોય છે, પરંતુ આવા પવિત્ર તહેવારના દિવસે જ મહાવીર હોસ્પિટલે માનવતાને નેવે મૂકી દીધી હોવાના આક્ષેપ થયો છે.
કલાકો સારવાર શરૂ કરવામાં ના આવી હોવાનો પરિવારનો આક્ષેપ
મૃતકના પરિવારનું કહેવું છે કે, મૃતક રેહાન શેખની પત્ની કે જેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતાં તેઓને મહાવીર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર સિવાય પૈસા નહીં ભરવાના કારણે વધુ સારવાર આપી નહોંતી. જ્યારે રૂપિયા આપવામાં આવ્યાં ત્યારબાદ કલાકો પછી સારવાર શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ મોડીરાત્રે તો બ્લડ માટે જાણ કરવામાં આવી હતી. એટલે હોસ્પિટલે રૂપિયા માટે તમામ હદો પાર કરી નાખી હતી. મહાવીર હોસ્પિટલે ગંભીર લાપરવાહી કરી હોવાથી અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.
અઠવા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ થઈ
આ મામલે હવે રેહાનાબાનુંના સંબંધીએ અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. આક્ષેપ એવો છે કે, રેહાનાને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે જ ડોક્ટરે અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ ગોલ્ડન અવર્સમાં પેશન્ટની સારવાર કરવાની ગાઈડ લાઈનનો ભંગ પણ કર્યો હતો. પરિવારે 1.5 લાખ રૂપિયા આપ્યા છતાં કલાકો સુધી મહાવીર હોસ્પિટલના તબીબી સ્ટાફે સારવાર કરી નહોતી. જેથી રેહાનાબાનુના પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.



