
સુરત પોલીસે એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો કોલ કરીને એક યુવતીને નિર્વસ્ત્ર કરાવીને વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 93 હજાર રૂપિયા અને દાગીના પડાવી લીધા હતા. યુવતીને વારંવાર બ્લેકમેઈલ કરવામાં આવી રહી હતી. યુવક વારંવાર રૂપિયાની માંગણી કરતો હોવાથી યુવતીએ પોતાના ઘરે જ ચોરી કરી હતી. જેથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
93 હજાર રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા
આ મામલે પરિવારને જાણ થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધવી હતી. પોલીસે સત્વરે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતી સોશિયલ મીડિયા દ્વારા લસકાણામાં રહેતા આ યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીને સોશિયલ મીડિયામાં ફોસલાવીને તેના વીડિયો અને ફોટો પાડી લીધા હતા. જે બાદ તે વારંવાર યુવતીને બદનામ કરવાની ધમકી આપતો હતો. આ દરમિયાન યુવકે 93 હજાર રૂપિયા, બે કાનની બુટ્ટીઓ અને બે સાનાના બ્રેસલેટ પડાવી લીધા હતાં. આ કેસમાં કાપોદ્રા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારે પૂછપરછ કરી ત્યારે દીકરીએ સમગ્ર હકીકત જણાવી
યુવતીએ આટલી વસ્તુઓ યુવકને આપી હોવા છતાં પણ તે વધારે માંગણી કરી રહ્યો હતો. પરિવારવાળાએ જ્યારે ઘરની તપાસ કરી ત્યારે દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે જ્યારે ઘરે પૂછપરછ કરી ત્યારે દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં કાપોદ્રા પોલીસે 22 વર્ષીય કરણ હિરપરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.