સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ

સુરત: સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી તેની નોંધ લેતા પાર્ટીએ બંને જણાને ભાજપ પ્રમુખે નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો આપવા કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ મહત્વની વાત તો એ છે કે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી હવે ભાજપમાં જ આપસી વિવાદ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના જ કાર્યકર્તાઓ હવે પાર્ટીની સીમારેખા ઓળંગી રહ્યાં હોય છે. સુરત ભાજપના પ્રમુખે બંને પાસે આનો જવાબ માંગ્યો હતો, પરંતુ અહીં તો મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે.
ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે લાફાવાળી થઇ હતી
સુરત શહેરમાં ભાજપ કાર્યાલયમાં ભાજપના જ બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. ભાજપ કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલાને વચ્ચે મારામારી થઈ હતી. કાર્યાલયમાં ચા-નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી જેથી આ વિવાદ શરૂ કરી દીધો હતો. કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હોવાથી ઘટના વધારે ઉગ્ર બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જરીવાલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભાજપ કાર્યાલયમાં થયેલી મારામારી મામલે શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં દિનેશ સાવલિયા વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. દિનેશ સાવલિયાએ મારામારી કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવીસ છે. સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલી આ મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે પક્ષ દ્વારા કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં આ મારામારીની ઘટના બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, ‘હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર’.
આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા. શૈલેષે દિનેશને ધક્કો મારી દીધો અને અચાનક લાફાવાળી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.