
સુરતઃ સુરતમાંથી છાશવારે એક ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. સુરતના વરાછા વિસ્તારામાં બાંધકામ ઓફિસની આડમાં સટ્ટો રમાતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગેરકાયદે ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ સટ્ટાબાજીની રેકેટનો પર્દાફાશ કર્યો છે. એટલું જ નહીં પરંતુ 963.37 કરોડ રૂપિયાના વ્યવહારોનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે. સટ્ટાબાજીના રેકેટમાં સંડોવાયેલા 8 લોકોની સુરત પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
હાઇપ્રોફાઇલ ઓપરેશનમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલા મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઈઝ ડેવલપર્સ નામની એક કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. અહીં ગેરકાયદેસર ઓનલાઈન ડબ્બા વેપાર અને સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાંધકામ કાર્યાલયની આડમાં ચલાવવામાં આવી રહેલા હાઇપ્રોફાઇલ ઓપરેશનમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા અને તેનો સંબંધી વિશાલ ગેવરિયા આ રેકેટના મુખ્ય સૂત્રધાર હતા.
પોલીસે 943 કરોડ રૂપિયાના વ્યવહારો શોધી કાઢ્યા
આરોપીઓએ સેંકડો રોકાણકારોને ઊંચા વળતર અને કરમુક્ત કમાણીની લાલચ આપી હતી અને ગેરકાયદેસર સોફ્ટવેર અને વેબસાઇટ દ્વારા કરોડો રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના પુરાવા ભૂંસી નાખવા માટે પેપર કટીંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસે 943 કરોડ રૂપિયાના વ્યવહારો શોધી કાઢ્યા છે જેમાં 10 લાખ રૂપિયાથી રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
આરોપીઓ પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા
મહત્વની વાત એ પણ છે કે, પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ લાઇવ સ્પોર્ટ્સ, કેસિનો અને અન્ય રમતો પર સટ્ટો લગાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. જેથી તપાસ વધારે અઘરી બનીલ છે. આરોપીઓ લોકો પાસેથી ફૂટબોલ, ક્રિકેટ અને ટેનિસ જેવી રમતો પર ઓનલાઈન સટ્ટો લગાવતા હતા. આ રેકેટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. અત્યારે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ દીધી છે. આ કેસમાં આ 8 આરોપી સિવાય કોઈ સામેલ છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.