સુરતમાં 500થી વધુ લોકો ઘરને તાળાં મારીને ક્યાં ગાયબ થયા?

સુરત: રાજ્યમાં SIRની કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. કામગીરી પૂરી થયા બાદ મતદાર યાદીનો નવો ડ્રાફ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો નવી મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી રહ્યા છે. એવામાં સુરતના બંગાળી મહોલ્લામાં સન્નાટો છવાઈ ગયો છે. SIRની કામગીરી શરૂ થતાં જ અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં છે.
‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાય છે બંગાળી મહોલ્લો
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પરત બાંગ્લાદેશ મોકલવાની કામગીરી ચાલી રહી હતી. એવામાં થોડા સમય બાદ રાજ્યમાં SIRની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સુરત શહેરના લઘુમતી વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પરિણામે સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લામાં રહેતાં 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં હતાં. જેઓ હજુ સુધી પાછા ફર્યા નથી.
આ પણ વાંચો…તમારૂ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં? કેવી રીતે જાણશો? 11 સ્ટેપમાં Download થઈ જશે PDF…
ભાડે રહેતાં હતાં બાંગ્લાદેશીઓ
સ્થાનિકોના જણાવ્યાનુસાર, ગાયબ થયેલા 500થી વધુ લોકો બાંગ્લાદેશના રહેવાસી હતાં અને અહીં ભાડેથી રહેતાં હતાં. જોકે, એક જ વિસ્તારમાંથી એક સાથે 550 મતદારો ગૂમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓએ હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ 550 લોકોએ કયા આધારે ચૂંટણીકાર્ડ મેળવ્યા હતા? તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપવામાં કોણે મદદ કરી? શું આ લોકો પાસે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ) પણ હતા? વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં? તે સવાલો પણ ઊભા થયા છે.
માત્ર 500 મતદારોનું થયું મેપિંગ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના આંકડા મુજબ, બૂથ નંબર 517 હેઠળ આવતા બંગાળી મહોલ્લાના વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા. જોકે, જ્યારે બીએલઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે, તેમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે. જ્યારે બાકીના 550 મતદારો રાતોરાત અદ્રશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? એ સવાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



