સુરત

સુરત એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઈટમાંથી કરોડોનો ગાંજો જપ્ત: 4 આરોપીની ધરપકડ

સુરત: શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સ સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવતી ફ્લાઈટમાં અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવેલો કરોડોની કિંમતનો ગાંજો ઝડપાતા એરપોર્ટ સુરક્ષામાં દોડધામ મચી ગઈ છે. સ્મગલરોએ ડ્રગ્સની હેરાફેરી માટે જે નવી પદ્ધતિ અપનાવી હતી તે જોઈને તપાસનીશ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

DRI અને કસ્ટમ્સની ટીમે બાતમીના આધારે હાથ ધરેલી તપાસમાં બે અલગ-અલગ ફ્લાઈટમાંથી કુલ 8 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹8 થી 9 કરોડ હોવાનું મનાય છે. એક ફ્લાઈટમાંથી 6 કિલો અને બીજીમાંથી 2 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પ્રવીણ કરમવીર, પ્રદીપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તા નામના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તમામ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સ્મગલિંગની ખાસિયત એ હતી કે ડ્રગ્સના પેકેટ પ્લેનની સીટની નીચે અને પાછળના ભાગમાં ફિટિંગ તોડીને છુપાવવામાં આવ્યા હતા. મુસાફરો ઉતરી ગયા બાદ જ્યારે ક્રૂ મેમ્બરોને સીટનું ફિટિંગ અસ્તવ્યસ્ત જણાયું ત્યારે શંકા ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ પદ્ધતિ તાજેતરમાં આવેલી એક ક્રાઈમ વેબ સિરીઝમાંથી પ્રેરિત હતી. સ્મગલરો નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ સતર્ક સ્ટાફને કારણે તેમનો આ મનસૂબો નિષ્ફળ રહ્યો હતો.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નશીલો પદાર્થ સુરત માટે નહીં પરંતુ દિલ્હી પહોંચાડવાનો હતો. પ્લાન મુજબ, આ ફ્લાઈટ જ્યારે સુરતથી આગળ દિલ્હી જવાની હતી, ત્યારે ત્યાં હાજર અન્ય સાથીદારો (હેન્ડલર્સ) પ્લેનમાંથી આ જથ્થો મેળવી લેવાના હતા. આ એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોવાની શંકા છે, જે બેંગકોકથી વાયા સુરત થઈને ભારતના અન્ય શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button