સુરતમાં આચાર્યની બદલી થતા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતર્યા, પોલીસ આવતા ઘર્ષણ

સુરતઃ સુરતમાં કઠોદરામાં આવેલી એક સરકારી શાળાના આચાર્યની બદલી કરવામાં આવી છે. આ શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ કરવામાં લાગ્યાં હતાં. કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારીમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહેલા કલ્પેશ પટેલની બદલી કરવામાં આવી તે વિદ્યાર્થીઓ અને વાલીઓને પસંદ આવ્યું નથી. આ આચાર્ય બાળકોને સારૂ શિક્ષણ આપે છે તેવું વાલીઓનું કહેવું છે. જેના કારણે વિદ્યાર્થીઓએ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
વિદ્યાર્થીઓએ રસ્તા પર વાહનો સામે સુઈને વિરોધ કર્યો
શાળાના વિદ્યાર્થીઓએ રસ્તા પર વાહનો સામે સુઈને વિરોધ નોંધાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ આચાર્યની બદલી કરવામાં આવતા રોષ વ્યાપ્યો છે. શાળાના આચાર્યની બદલી થતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. જેથી વાલીઓને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. છતાં પોલીસે મામલો શાંત પાડવા માટે પ્રયત્ન ચાલુ રાખ્યો હતો.
વિદ્યાર્થીઓએ પ્રફુલ પાનસેરીયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યાં
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ‘કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે’ના નારા સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યાં હતાં. પોલીસે 2 કલાક સુધી વાલીઓ અને બાળકોને સમજાવ્યા અને મધ્યસ્થી બાદ તેઓને શાંત કર્યા ઘટનાસ્થળેથી હટાવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓનો સરકારને સવાલ છે કે, આખરે શા માટે સારા શિક્ષકની બદલી કરી દેવામાં આવે છે? એક રીતે જોતા વિદ્યાર્થીઓની વાત પણ સાચી છે. વારંવાર શિક્ષકોની બદલી કરવામાં આવે તો, વિદ્યાર્થીઓને શિક્ષકો વચ્ચેનું અંતર વધતું જાય છે. જે તેમને શિક્ષણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.