સુરતમાં સગીરા પર દુષ્કર્મ: પાડોશી યુવકની હવસનો શિકાર બની, આરોપી ઝડપાયો…

સુરતઃ સુરતમાં ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યા છે. સુરતએ ગુજરાતનું સૌથી મોટું ક્રાઇમ સિટી બની ગયું છે. શહેરમાં ચોરી, લૂંટ, મારામારી, હત્યા, છેડતી અને હવે દુષ્કર્મની ઘટનાઓ પણ વધવા લાગી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પાડોશમાં રહેતા એક નરાધમે માત્ર 14 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે, જ્યારે પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
અવાવરૂ જગ્યાએ લઈ આરોપીએ સગીરાને પીંખી નાખી
મળતી જાણકારી પ્રમાણે વિદ્યાર્થિની પુસ્તકો લેવા માટે જઈ રહી હતી, ત્યારે યુવક આવ્યો અને સગીરાને બાઈક પર બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાર બાદ યુવકે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા જ્યારે ઘરે આવી ત્યારે તેના કપડાં લોહીવાળા હતા. જેથી પરિવારે આ બાબતે પૂછ્યું ત્યારે સગીરાએ દુષ્કર્મની વાત છુપાવી હતી. જોકે, પરિવારને શંકા ગઈ હોવાથી તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો. દીકરી સાથે દુષ્કર્મની જાણ થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપી પર દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ કેસમાં પોલીસે જ્યારે સગીરા સાથે પૂછપરછ કરી ત્યારે તેની સાથે પાડોશમાં રહેતા યુવક હિંમાશુએ દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં આવી ઘટનાઓ વધારે બનવા લાગી છે. માસૂમ દીકરી સાથે આવું કૃત્ય કર્યું હોવાથી પરિવાર સહિત સ્થાનિક લોકો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં માટે માંગણી પણ કરી છે.