4 કલાકમાં પોણા છ ઇંચ વરસાદથી 'ડાયમંડ સિટી' પાણી પાણી; હવામાન વિભાગનું 5 જિલ્લામાં 'રેડ એલર્ટ' | મુંબઈ સમાચાર
સુરત

4 કલાકમાં પોણા છ ઇંચ વરસાદથી ‘ડાયમંડ સિટી’ પાણી પાણી; હવામાન વિભાગનું 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

સુરત: આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ડાયમંડ સિટી સુરતને મેઘરાજાએ બાનમાં લીધું હતું. આજે સવારથી ચાર કલાકમાં અંદર પોણા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરતમાં પડેલા આ સાંબેલાધાર વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદની આગાહીના કારણે સુરતમાં DEO દ્વારા તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

5 જિલ્લામા નાઉકાસ્ટ રેડ એલર્ટ જાહેર

રાજ્યના હવામાન વિભાગે 1 વાગ્યા સુધી રાજ્યના 5 જિલ્લા માટે નાઉકાસ્ટ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં નાઉકાસ્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત 21 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ચાર કલાકમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ

મળતી વિગતો અનુસાર સુરત શહેરમાં આજે સવારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર ચાર કલાકના સમયગાળામાં, સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન, પોણા છ ઇંચ (5.67 ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને પુણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે રસ્તાઓ પરથી પસાર થતી અનેક ગાડીઓ અને ટુ-વ્હીલર્સ પાણીમાં બંધ પડી ગયા હતા, પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

અચાનક આવેલા આ ભારે વરસાદે મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોકળતા છતી કરી દીધી હતી. નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી શક્યા ન હતા. શાળાઓ અને ઓફિસોમાં જનારા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો…આજે આ જિલ્લાને ધમરોળશે મેઘરાજા! ભારે વરસાદની આગાહી, 10 વાગ્યા સુધી રાજ્યના 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button