સુરત

સુરતમાં લગ્નનો ઈન્કાર કરનાર પ્રેમી સામે રેપની ફરિયાદમાં કોર્ટે પ્રેમીને નિર્દોષ છોડ્યો

સુરતમાં 2022માં એક યુવતીએ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. 27 ઓગસ્ટે કોર્ટે બચાવ પક્ષની દલીલ સ્વીકારીને યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય દલીલ એ હતી કે, લગ્નની લાલચમાં બાંધેલા અવૈધ સંબંધને બળાત્કાર ન ગણી શકાય, જે કોર્ટે માન્ય રાખી હતી.

વાસ્તવમાં આખી વાત એમ છે કે, ડિંડોલીમાં રહેતી BBAની વિદ્યાર્થિનીએ M.Techના વિદ્યાર્થી વિરુદ્ધ જુલાઈ 2022માં બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. તેણીએ જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ યુવકે લગ્નનું વચન આપીને અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા, પરંતુ પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પોલીસે યુવકની ધરપકડ કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, જેની સુનાવણીમાં અનેક પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી.

જ્યારે બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે યુવકે કોઈ બળજબરી કરી નથી અને પ્રેમ સંબંધોમાં તિરાડ પડતા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તેઓએ વડી અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવા એ બળાત્કાર નથી. કોર્ટે આ દલીલને સ્વીકારીને યુવકને છોડી મુકવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું કે યુવતી શિક્ષિત છે અને પોતાના સારા-નરસાની સમજણ ધરાવે છે, તેમ છતાં તેણે અલગ જાતિ હોવા છતાં સંબંધો ચાલુ રાખ્યા. તેણે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈ દબાણ વિના ઓળખપત્ર આપ્યા હતા, જે સૂચવે છે કે કોઈ બળજબરી નહોતી. જે બાદ ફરિયાદમાં ગર્ભાવસ્થાનો આક્ષેપ હતો, પરંતુ તેના પુરાવા મળ્યા નહીં અને કપડાં અનેક વખત ધોવાયા હોવાથી યુવકને તેનો લાભ મળ્યો.

બચાવ પક્ષે ડીએનએ રિપોર્ટમાં સેમ્પલ મેચ ન થવા અને તબીબી જુબાનીમાં યુવતીએ 30-35 વખત શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું જણાવ્યું તેને આધારે નિમ્ફોમેનિયાની બીમારીની શંકા વ્યક્ત કરી. ડોક્ટરે કહ્યું કે આ માનસિક બીમારીમાં સ્ત્રી પોતાના પર કાબૂ કરી શકતી નથી અને સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છા વધુ હોઈ શકે છે. આ પુરાવાઓએ કેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

આપણ વાંચો:  અમદાવાદના નરોડામાં ગણેશ પંડાલ પાસે સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટતા 10 લોકો ખાબક્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button