બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાને આરેઃ PM મોદીએ કરી સમીક્ષા, ટૂંક સમયમાં ટ્રાયલ રન

સુરતઃ ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પર ગુજરાત આવ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
સુરતમાં આવેલી બુલેટ ટ્રેન સ્ટેશન પર પીએમ મોદી પહોંચ્યાં હતાં. આનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં સુરત અને નવસારીના બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થશે, જ્યાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ અગાઉ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.
આપણ વાચો: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 12 સ્ટેશન
પીએમ મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ વખતે અહીં કામ કરતા ઇજનેરો અને કર્મચારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. ગુજરાતના ભાગમાં આવેલા બુલેટ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવા આવ્યું છે.
એવી આશા છે કે, હવે ટૂંક સમયમાં લોકો બુલેટ ટ્રેનમાં સવારી કરતા થઈ જવાના છે. બુલેટ ટ્રેનના કારણે અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ પહોંચી શકાશે.
આપણ વાચો: Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?
પહેલી બુલેટ ટ્રેન બીલીમોરાથી સુરત સુધી દોડશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર પહેલી બુલેટ ટ્રેન બીલીમોરાથી સુરત સુધી દોડશે. આ સેક્શન 2027માં ખુલશે. ગુજરાતમાં તમામ કામ 2028 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી આશા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પહેલી વાર ગ્રાઉન્ડ ઝીરોની મુલાકાત લીધી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 8 સ્ટેશનનું બાંધકામ કામ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ એવી અટકળો ચાલી રહી છે કે જાપાની બુલેટ ટ્રેન ટૂંક સમયમાં ગુજરાતમાં આવી શકે છે. વૈષ્ણવની સાથે જાપાની પ્રધાનોએ પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનની પ્રગતિનું નિરીક્ષણ કર્યું છે. પીએમ મોદીએ અનેક વખત જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેમનું એક સપનું રહ્યું છે, જે પૂર્ણ થવા આવ્યું છે.
આ પ્રોજેક્ટના કારણે ગુજરાતના અનેક શહેરોના વિકાસને વેગ મળવાનો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ શહેરો સામેલ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 8 સ્ટેશનોનું બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશનો પર બાકીની સુવિધાઓ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.



