સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે...
સુરત

સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે…

સુરતઃ નવદુર્ગાની આરાધનનું પર્વ એટલે કે નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિવિધ હિંદુ સંગઠનો તહેવાર દરમિયાન હિંદુ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય બન્યા છે. સુરત જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળે ખાસ પગલાં લેવાની જાહેરાત કરી હતી.

હિંદુ સંગઠનોના કાર્યકરો ગરબા ગ્રાઉન્ડમાં ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરશે. આ ઉપરાંત તેમણે હિંદુ દીકરીઓની સુરક્ષા માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો. આ હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી પોલીસ પહેલા સંગઠનના કાર્યકરો પહોંચશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે
સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિ માતાજીની આરાધનાનો પર્વ છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો અને બિનહિંદુઓ હિંદુ બહેન-દીકરીઓને ‘લવ જેહાદ’માં ફસાવવાનો પ્રયાસ કરતા હોય છે. આને રોકવા માટે, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો આ વર્ષે અલગ રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરશે.

લગભગ 100 જેટલા પુરુષ અને મહિલા કાર્યકરો પરંપરાગત પોશાક પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં જઈને દેખરેખ રાખશે. જો કોઈ અસામાજિક તત્વ કે બિનહિંદુ દીકરીઓની છેડતી કરતો જણાશે, તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

હિંદુ સિવાય બાઉન્સર્સ કે સંગીતકારોને બુક ન કરવા અપીલ
હિંદુ સંગઠનોએ ગરબાના આયોજકોને પણ હિંદુ સિવાય બાઉન્સર્સ કે સંગીતકારોને બુક ન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત, આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ આપવા, પ્રવેશ કરનાર ખેલૈયાઓના કપાળ પર તિલક કરવા, ગૌમૂત્રનો છંટકાવ કરવા અને આધારકાર્ડ ચેક કરવા જેવી સલાહ પણ આપવામાં આવી હતી. કલાકારોને પણ ટૂંકા વસ્ત્રો ન પહેરીને ભારતીય સંસ્કૃતિનું સન્માન જાળવવા વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદના રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત યોજશે ગરબા, શરતો પણ હશે

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button