સુરતમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં ભીષણ આગ, દસ્તાવેજો બળીને ખાખ

સુરત: સુરતના સચિન વિસ્તારમાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની માલિકીની અને લાંબા સમયથી બંધ પડેલી જ્વેલરી કંપનીમાં મધરાતે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.
આગ એટલી વિકરાળ હતી કે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી જ્વાળાઓએ જોતજોતામાં પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર અંકુશ મેળવી શકાયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કંપનીમાં રહેલા મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે.
આ ઘટનામાં સૌથી મોટો વળાંક એ છે કે આ કંપની ઈડી (ED) દ્વારા સીલ કરવામાં આવેલી હતી અને તેનું વીજ જોડાણ પણ ઘણા સમયથી કાપી નાખવામાં આવ્યું હતું. જ્યારે કંપનીમાં પાવર સપ્લાય જ ન હોય, ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગવાની શક્યતા સાવ નહિવત છે. આ બાબતે તપાસ એજન્સીઓને મજબૂર કરી છે કે આગ લાગી નથી, પણ લગાડવામાં આવી હોય શકે છે.
પુરાવા નાશ કરવા માટે આગ લગાડાયાની આશંકા
સ્થાનિક સ્તરે અને સૂત્રોમાં એવી પ્રબળ ચર્ચા છે કે આગ પાછળ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપનીમાંથી કીમતી જ્વેલરી કે મશીનરીની ચોરી થઈ હોઈ શકે છે અને તે પાપ છુપાવવા માટે અથવા મહત્વના કાગળિયાંનો નાશ કરવા માટે આ કાંડ રચવામાં આવ્યો હોય. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને એન્ટ્રી રજીસ્ટરની તપાસ કરી રહી છે જેથી સત્ય બહાર આવી શકે.
સેઝ જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં, જ્યાં સતત સુરક્ષા જવાનો તૈનાત હોય છે, ત્યાં સીલ મારેલી કંપનીમાં આગ કેવી રીતે લાગી તે સુરક્ષા એજન્સીઓ માટે શરમજનક બાબત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ મામલે સક્રિય થયું છે. જો આ કેસમાં કોઈની સંડોવણી સામે આવશે તો જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તે નક્કી છે.



