સુરત

સુરતમાં બુટલેગરે 6 વર્ષના બાળકને કચડીને મારી નાંખ્યું હોવાનો પિતાનો આક્ષેપ

સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ છ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રમત-ગમતમાં મશગૂલ બાળકને બેફામ ગતિએ આવતી કારે અડફેટે લેતા પળવારમાં જ હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને જ્યારે આરોપીનું બેગ્રાઉન્ડ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની અને હાલ સુરતના લાલગેટ સ્થિત પાલિયા ગ્રાઉન્ડ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા કેવનભાઈ ભાભર મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે બપોરે અંદાજે 12:30 વાગ્યે તેમનો 6 વર્ષનો પુત્ર અર્જુન ઘર પાસેના કાચા રસ્તા પર રમી રહ્યો હતો. આ દરમિયાન (GJ-05-RD-0134) નંબરની કારના ચાલક સુનિલ દેવદાએ અર્જુનને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા અર્જુનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ અકસ્માત માત્ર એક દુર્ઘટના હોવાને બદલે હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. મૃતક બાળકના પિતાએ લાલગેટ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કાર ચાલક સુનિલ દેવદા વિસ્તારનો જાણીતો બુટલેગર છે. પિતાના જણાવ્યા અનુસાર, સુનિલ પાલિયા ગ્રાઉન્ડ પાસે દારૂનો અડ્ડો ચલાવે છે અને અકસ્માત સમયે તે પોતાના અડ્ડા પર જઈ રહ્યો હતો. આ ગંભીર આક્ષેપને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

કેવનભાઈ અને તેમની પત્ની બંને છૂટક મજૂરી કરીને પોતાના બે સંતાનો (૪ વર્ષની પુત્રી અને ૬ વર્ષનો પુત્ર)નું ભરણપોષણ કરતા હતા. આર્થિક રીતે નબળા આ પરિવાર માટે અર્જુન તેમની આશાનું કિરણ હતો. અચાનક બનેલી આ ઘટનાએ માતા-પિતાને નિરાધાર કરી દીધા છે. લાલગેટ પોલીસ હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કાર ચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાલિયા ગ્રાઉન્ડ અને તેની આસપાસના કાચા રસ્તાઓ પર અવારનવાર અસામાજિક તત્વોની અવરજવર રહેતી હોય છે. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં નાના બાળકો રસ્તા પર જ રમતા હોય છે, ત્યારે બેફામ વાહન ચલાવતા તત્વો ગંભીર જોખમ ઉભું કરે છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને દારૂના કથિત અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ હવે જોર પકડી રહી છે.

આપણ વાંચો:  સુરતમાં ગેરેજમાં આપેલી કાર પાછી આપવા આવેલા ડ્રાઈવરે સોસાયટીમાં જ 6 વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button