સુરત

સુરતમાં દીકરી પર બળાત્કાર-હત્યાના આરોપીને કોર્ટે છોડી મૂક્યો, પોલીસ કેમ રહી નિષ્ફળ ?

સુરત: ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વનો ચુકાદો આપતા પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ અને તેની હત્યાના આરોપી પિતાને નિર્દોષ જાહેર કર્યો છે. સુરતની નીચલી અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને પિતાને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટે પ્રક્રિયાગત ખામીઓને ટાંકીને જણાવ્યું હતું કે, માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિને ફાંસી આપી શકાય નહીં. આ ચુકાદાએ ફોરેન્સિક પુરાવાઓની વિશ્વસનીયતા અને તપાસની પદ્ધતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ કેસ જૂન 2017નો છે, જ્યારે સુરતના ડુમસ બીચ પરથી ઓડિશાના એક શ્રમિક પરિવારની 14 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે કિશોરી ગર્ભવતી હતી અને તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિજન્ય પુરાવા અને DNA ટેસ્ટના આધારે પિતાની ધરપકડ કરી હતી. વર્ષ 2020માં સુરતની કોર્ટે પિતાને પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ કરવા અને ગર્ભવતી બનાવી હત્યા કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર.ટી. વચ્છાણીની બેન્ચે નોંધ્યું હતું કે તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ રહી ગઈ હતી. જે DNA રિપોર્ટને સજાનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો, તેને કોર્ટે નકારી કાઢ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે અત્યંત સંવેદનશીલ બાયોલોજિકલ નમૂનાઓને આઈસ બોક્સમાં રાખવાને બદલે સામાન્ય રીતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ નમૂનાઓને ફોરેન્સિક લેબ સુધી પહોંચાડવામાં 13 દિવસનો વિલંબ થયો હતો, જેના કારણે રિપોર્ટમાં છેડછાડ કે ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફોજદારી કેસમાં જ્યારે ફાંસીની સજાનો મામલો હોય ત્યારે પુરાવાની સાંકળ સંપૂર્ણ હોવી જોઈએ. આ કેસમાં પ્રોસિક્યુશન એવા કોઈ સચોટ પુરાવા રજૂ કરી શક્યું નથી જે નિઃશંકપણે સાબિત કરે કે પિતા જ ગુનેગાર છે. તપાસ એજન્સી દ્વારા પુરાવા એકત્રિત કરવામાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે શંકાને આધારે હાઈકોર્ટે પિતાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદો તપાસ અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન છે કે વૈજ્ઞાનિક પુરાવાઓની પ્રક્રિયામાં જરા પણ ચૂક ન હોવી જોઈએ.

આપણ વાંચો:  સુરતમાં બિલ્ડરે રસ્તો રોકી મનાવ્યો દીકરાનો બર્થ ડે, કારચાલકે વાંધો લેતાં કરી ગંદી હરકત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button